વિદ્યુત વિભાગના જે તે સમયના વહીવટની સાંસદ ઉમેશભાઈ પટેલે કરેલી ભરપેટ પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : શનિવારે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી)-2025-’26 માટે લોકોની યોજના અભિયાન અંતર્ગત ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા મળી હતી. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ઉપ સરપંચ શ્રીમતી રંજીતાબેન પટેલ, પંચાયતના સભ્યો, વિવિધ સરકારી વિભાગના પ્રતિનિધિઓ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બંધારણના 73મા અને 74મા સંશોધન અંતર્ગત પંચાયતી રાજને આપવામાં આવેલી સત્તા દમણ-દીવની સ્વરાજ્યની સંસ્થાઓને ઈરાદાપૂર્વક નહીં આપવામાં આવી રહી હોવાના આરોપો લગાવ્યા હતા. તેમણે દમણ-દીવના પુરવઠા વિભાગ દ્વારા કંટ્રોલમાં રેશન કાર્ડ ધારક વ્યક્તિને સાડાચાર કિલો ચોખા અને અડધો કિલો ઘઉં જ અપાતા હોવાની ફરિયાદ પણ કરી હતી. તેની સામે ગુજરાતમાં રેશનની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોને તમામ અનાજ અને મીઠુંથી લઈ ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ મળતી હોવાનું જણાવ્યું હતું.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દમણ અને દીવના તે સમયના વિદ્યુત વિભાગની પણ ખુબ પ્રશંસા કરી હતી અને હાલના ટોરેન્ટના વહીવટની સખત શબ્દોમાં આલોચના કરી હતી.
જીપીડીપીની મળેલી ગ્રામસભામાં અનેક પ્રસ્તાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભમાં પણ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવોના કામ અવશ્ય થવા જોઈએ, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રામસભામાં પસાર થતાં ઠરાવો પૈકીનું કોઈ કામ થતું નથી. તેમણે ગ્રામસભામાં ઉચ્ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીની પણ ટીકા કરી હતી.