(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આજરોજ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે શ્રી સાંઈ ધામ હોલમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટ તેમજ દેહરી પંચાયતના સંયુક્ત રાહે મફત આંખની તપાસના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 10.00 કલાકે પ્રારંભ કરવામાં આવેલા કેમ્પ બપોરના 1.00 કલાક સુધી કાર્યરત રહ્યો હતો જેમાં 240 જેટલા વ્યક્તિઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિદાન થયેલા મોતી બિંદુની સમસ્યાથી પીડાતા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા નજીકના ભવિષ્યમાં મફત ઓપરેશન કરી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. આ શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા યુઆઇએના પ્રેસિડન્ટ શ્રી નરેશભાઈ બંથીયાએ લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટના પ્રમુખ અને સંચાલકોનો આભાર વ્યક્ત કરવા સાથે જનહિતની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારના જનહિતના કાર્યમાં સહયોગ આપવાની પણ બાહેંધરી આપી હતી. આજે પણ યુઆઈએના પ્રમુખ અને સિટિઝન અમરેલા કંપનીના માલિક શ્રી નરેશભાઈ બંથીયા દ્વારા શિબિરમાં સેવા આપનારા તમામને છત્રીનુંવિતરણ કરવામાં આવ્યું હતું.
આજના શિબિરમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપુત, સેક્રેટરી દીપકભાઈ પંચાલ, ટ્રેઝર શ્રી નયનભાઈ શેઠ અને પ્રોજેક્ટ અધ્યક્ષ શ્રી મિહિરભાઈ સોનપાલ, અગ્રણીશ્રી અનિલભાઈ જૈન તેમજ દેહરી પંચાયતના સરપંચશ્રી ધનેશભાઈ, ઉપસરપંચશ્રી ઉમેશભાઈ સોલંકી, સભ્યશ્રી નીતિનભાઈ કામળી, શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટના પ્રમુખશ્રી નીતિનભાઈ સાવે, ગોવાડાના સરપંચ શ્રીમતી મંજુબેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
