નમો મેડિકલ કોલેજમાં પી.જી.ની 18 બેઠકોની ફાળવણીઃ 2024-25ના વર્ષથી જ શરૂ થનારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ
સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ. બાદ પી.જી. કરવાનું સપનુ પોતાના ઘરઆંગણે જ થઈ રહ્યું સાકાર
નમો મેડિકલકોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષમાં 2024-25ના બેચ માટે પાંચ વિષયોની કુલ 18 સીટો ફાળવવામાં આવી છે. જેમાં જનરલ સર્જરીની 4 સીટ, નેત્ર ચિકિત્સાની 3 સીટ, માઈક્રોબાયોલોજીની 3, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી(પ્રસૂતિ અનેસ્ત્રી રોગ)ની 4 તથા એનેસ્થેસિયોલૉજીની 4 સીટોનો સમાવેશ થાય છે.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની નમો મેડિકલ કોલેજમાં આ વર્ષ 2024-25ના બેચથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને ભારત સરકારના અતૂટ સમર્થન તથા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસો અને માર્ગદર્શન અંતર્ગત મેડિકલ કોલેજ પ્રારંભ થયાના માંડ પાંચ વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ અભ્યાસક્રમના પાંચ વિષયોની કુલ 18 સીટોની ફાળવણી કરવામાં આવી છે. હવે સંઘપ્રદેશના મેડિકલ વિદ્યાર્થીઓને પોતાની પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી માટે બહાર જવાની જરૂરત નહીં પડશે. આ નિર્ણયથી પ્રદેશના વિદ્યાર્થીઓને જ લાભ નહીં મળશે પરંતુ પ્રદેશની જનતાને મળનારી આરોગ્ય સુવિધામાં પણ સુધારો થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નમો મેડિકલકોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષમાં 2024-25ના બેચ માટે પાંચ વિષયોની કુલ 18 સીટો ફાળવવામાં આવી છે. જેમાં જનરલ સર્જરીની 4 સીટ, નેત્ર ચિકિત્સાની 3 સીટ, માઈક્રોબાયોલોજીની 3, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી(પ્રસૂતિ અનેસ્ત્રી રોગ)ની 4 તથા એનેસ્થેસિયોલૉજીની 4 સીટોનો સમાવેશ થાય છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના અલ્પવિકસિત અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એમ.બી.બી.એસ. જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો એક અવિશ્વસનિય સપનુ રહ્યું હતું અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં મેડિકલ કોલેજની સ્થાપનાથી પહેલાં પ્રત્યેક વર્ષના ફક્ત 10 થી 12 વિદ્યાર્થીઓને કેન્દ્રિય પુલ ક્વોટા અંતર્ગત ભારતના વિવિધ રાજ્યોની મેડિકલ કોલેજમાં સીટનો લાભ મળતો હતો. જેની સામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિન-રાતની અથાક મહેનત બાદ 2019માં નમો મેડિકલ કોલેજ એન્ડ એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ-સેલવાસની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉચ્ચ શિક્ષણથી લાંબા સમયથી ઉપેક્ષિત રહેલા આ વિસ્તારના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ભૂખને સમજી મેડિકલ કોલેજ માટે 2019માં એમ.બી.બી.એસ.ની 177સીટોને મંજૂરી આપી હતી.
મેડિકલ કોલેજની સ્થાપનાના માંડ પાંચ વર્ષમાં હવે અનુસ્નાતક કોર્ષ પણ શરૂ થતાં પ્રદેશના એમ.બી.બી.એસ. થયેલા વિદ્યાર્થીઓ માટે પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશનનું સપનુ ઘરઆંગણે સાકાર કરવાની અણમોલ તક ઉભી થઈ છે. હાલમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોસ્પિટલમાં જ ઈન્ટર્નશીપ કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ટચૂકડાં પ્રદેશમાં આરોગ્ય સેવા ક્ષેત્રે થયેલો નોંધપાત્ર વિકાસ ભારતના દરેક નાગરિકોને સુલભ આરોગ્ય સેવા પ્રદાન કરવા માટે સરકારની અતૂટ પ્રતિબધ્ધતાનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિએ આ મહત્ત્વાકાંક્ષી પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.