સી.એસ.આર. અંતર્ગત 20 જરૂરિયાતમંદ બહેનોને સિવણની તાલીમ અપાવી કુશળ ટેલર બનાવી તમામને સિલાઈ મશીનની આપેલી ભેટઃ મહિલા સશક્તિકરણનું ઉમદા દૃષ્ટાંત
ઉર્વશીબેન પટેલ જેવી તત્પરતા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અન્ય પંચાયતો દ્વારા રાખવામાં આવે તો સી.એસ.આર. અંતર્ગત અનેક સમસ્યાઓનો અંત સંભવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે ગામની 20 જેટલી જરૂરિયાતમંદ બહેનોને સિવણની તાલીમ અપાવી કુશળ ટેલર બનાવ્યા બાદ આજે તેઓને દરેકને સિલાઈ મશીનની ભેટ સી.એસ.આર.ના માધ્યમથી અપાવી આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. શ્રીમતી ઉર્વશીબેન પટેલ જેવી તત્પરતા ગ્રામ પંચાયતના અન્ય સરપંચો પણ બતાવે તો દમણ જિલ્લામાં મહિલા સશક્તિકરણની સાથે ભાગ્યે જ કોઈ બેકાર રહે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. શ્રીમતી ઉર્વશીબેન પટેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પંચાયતો માટે રાહબર બન્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે ગામની જરૂરિયાતમંદ 20 જેટલી મહિલાઓનેસિવણ કામની ટ્રેનિંગ અપાવી કુશળ ટેલર તરીકે કામ કરી શકે એવો આત્મવિશ્વાસ પણ મહિલાઓમાં પેદા કર્યો હતો અને આજે કુશળ ટેલર બનેલી 20 બહેનોને કોમ્યુનિટી સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સી.એસ.આર.) અંતર્ગત એક ફેક્ટરી મારફત દરેકને સિલાઈ મશીનની ભેટ આપી તેમને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા હતા.
સિલાઈ મશીન મેળવીને બહેનોને ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ પ્રગટ કરતા હતા. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ જ ફેક્ટરીવાળાઓ સી.એસ.આર. અંતર્ગત આ પ્રકારના લોક કલ્યાણના કામો કરતા થયા છે.
અત્રે યાદ રહે કે, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે ગયા વર્ષે 10 વિદ્યાર્થીઓને નિફ્ટ દમણમાં ફેશન ડિઝાઈનિંગના આઉટરીચ કોર્ષ કરાવી પ્રતિભાસંપન્ન બનતાં તેઓ સ્વયં આત્મનિર્ભર બની શકવા સક્ષમ બન્યા હતા.