(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : નાની દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર લગભગ બે વર્ષ પહેલાં 17મી જુલાઈ, 2022ના રોજ ઈકો ગાડીના ચાલકે નશાની હાલતમાં ગાડી હંકારી ઈરાદાપૂર્વક 4 વર્ષની છોકરીનું અકસ્માત કરવાના ગુનામાં દમણની સેશન અદાલતે તકસીરવાર ઠેરવી 7 વર્ષની કેદ અને રૂા.5000ના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 17મી જુલાઈ, 2022ના રોજ રાત્રિના 8:30 વાગ્યે દલવાડા એરપોર્ટની સામે એક ઈકો ગાડી નંબર જીજે-21-એક્યુ-9783ના ચાલક વિકાસ સુરેશચંદ્ર પાઠક(ઉ.વ.29) રહે. માસ્ટર શેરી નાની દમણ. મૂળ રહેવાસી-જિલ્લો જોનપુર-ઉત્તરપ્રદેશનાએ નશાની હાલતમાં દલવાડાથી મશાલચોક તરફ આવતા સમયે પહેલાં મારૂતિઝેન નં.ડીડી-03 – ડી-1022ને ટક્કર મારતા તેને જોઈ ફરિયાદી સિકંદર ફાગુ મંડલે પોતાની મોટરસાયકલ પેશન પ્રો ગાડી નંબર ડીડી-03-જે-4521ને સાઈડમાં રોકી લીધી હતી. ત્યારે આ ઈકો ગાડી ચાલકે તેજ ગતિ અને લાપરવાહીથી કોઈની પણ જાનમાલની પરવાહ કર્યા વગર નશાની હાલતમાં પોતાની ગાડી ચલાવી ફરિયાદીની ગાડી ઉભી હતી ત્યાં ઈરાદાપૂર્વક ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં પોતાના સાળાની 4 વર્ષની દિકરીને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ ઉપર જ તેનું મોત થયું હતું અને મોટરસાયકલ ઉપર બેઠેલ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્ટેશને આઈ.પી.સી.ની કલમ 279, 304, 337 અને એમ.વી.એક્ટની કલમ 177, 184 અને 185 અંતર્ગત ગુનો નોંધી એસ.એચ.ઓ. શ્રી સોહિલ જીવાણીના નેતૃત્વમાં એ.એસ.આઈ. શ્રી ડાહ્યાભાઈ હળપતિએ તપાસ શરૂ કરી તા.16મી સપ્ટેમ્બર, 2022ના રોજ આરોપી વિકાસ સુરેશચંદ્ર પાઠક સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આજે પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિઓમ ઉપાધ્યાયની દલીલો સેશન જજ શ્રી શ્રીધર એમ. ભોસલેએ ગ્રાહ્ય રાખી આરોપી વિકાસ સરેશચંદ્ર પાઠકને 7 વર્ષની કેદ અને રૂા.5000ના દંડની સજા સંભળાવી હતી.
