(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીમાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીનો મહિનો કેહવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો દ્વારા તેઓની મનોકામના પૂર્ણ કરવા શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ સાથે ભક્તિમાં તરબોળ બની જતા હોય છે. શ્રાવણ મહિના દરમ્યાન ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક સોમવારના દિને શિવાલયોમાં શિવજીના અનેરા દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે. જેના ભાગરૂપે સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ, બોરીગામે આવેલ ગાજેશ્વર મહાદેવ, ખાનવેલ બિન્દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જ્યાં હર હર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્તો શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.
