આંબાબારી ફળિયાના લોકોની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે પુરતી ઉંચાઈવાળા પુલનું નિર્માણ કરાવવા સ્થાનિક તાલુકા સભ્ય દ્વારા વલસાડ-ડાંગના સાંસદ સમક્ષ કરાયેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ફડવેલ બેઠકના તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ પટેલ દ્વારા સાંસદ ધવલભાઇ પટેલ સમક્ષ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ફડવેલ ગામના આંબાબારી ફળીયામાં જવાના એકમાત્ર માર્ગ ઉપર નાવણી નદી નો લો-લેવલ કોઝ વે ચોમાસામાં અવાર નવાર પુરના પાણીમાં ડુબીજતો હોય છે. આ ફળીયામાં 700ની આસપાસ વસ્તી છે. અને પ્રાથમિક શાળા, દુધડેરી વગેરે નાવણી નદીના બીજા કાંઠે હોય અને આ ફળિયાના લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય લોકોની મુશ્કેલીનો પાર રહેતો નથી. ત્યારે આ ડૂબાઉ કોઝ-વેના સ્થાને નાવણી નદી પર પૂરતી ઊંચાઈવાળો નવો પુલ બનાવવામાં આવે તો વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેમ છે. હાલે વરસેલા વરસાદમાં તો સતત ત્રણ દિવસ આ કોઝ-વે ડૂબેલો રહ્યો હતો.
વધુમાં મહેશભાઈ દ્વારા ચીખલી-લીમઝર-ઉમરકુઈ મુખ્ય જિલ્લા માર્ગ ઉપર ફડવેલમાં ભૂતિયા ટેકરા પાસે નવાપુલ અને સ્મશાનભૂમિ પાસે માર્ગની ઉંચાઈ વધારવાની માંગ કરાઈ છે. આ બન્ને સ્થળોએ માર્ગ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય છે. આ માર્ગ વાંસદા તાલુકાને ઉપરાંત ચીખલી તાલુકાના સારવણી, અંબાચ, કાકડવેલ સહિતના ગામોને પણ જોડે છે. ત્યારે આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ થવાથી અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ માર્ગ ઉપર સ્મશાનભૂમિ પાસે નાવણી નદીના પાણી ફરી વળતા હોય છે. આ ઉપરાંત તાલુકા સભ્ય દ્વારા કણભઇ, સતાડીયા સહિતના ગામોના પ્રશ્નોના વિકાસ ના કામો માટે પણ સાંસદ સમક્ષ માંગ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતા ચીખલી તાલુકાનાદોણજા અને સારવણી ગામના લોકોને પણ ચોમાસાની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે નવા સાંસદ ધવલ પટેલ પર મીટ મંડાઇ છે. દોણજા ગામે કાવેરી નદીનો ડૂબાઉ કોઝ-વે ચોમાસામાં વારંવાર પૂરના પાણીમાં ગરકાવ થતા હાથીનગર અને નાની ખાડી ફળિયાના અંદાજે 800 થી વધુ લોકો વિખુટા પડી જતા હોય છે. આ ઉપરાંત સારવણી ગામે તો નદી ફળિયાના લોકો માટે કોઝ-વે પણ નથી. ચોમાસા સિવાયની સીઝનમાં નદીમાંથી અને ચોમાસામાં જીવના જોખમે ચેકડેમ પરથી અવર જવર કરવા લોકો લાચાર છે. દોણજા અને સારવણીમાં પ્રાથમિક શાળા, દૂધ ડેરી માટે સામા કાંઠે જ હોય બાળકોનું શિક્ષણ બગડવા સાથે લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. અને તેવામાં કોઈ બીમાર થાય ત્યારે તો પૂછવું જ શું. ત્યારે નવા સાંસદ ધવલભાઇ લોકોની પાયાની સુવિધા માટે ધ્યાન કેન્દ્રિત કરશે કે કેમ તે જોવું રહ્યું.
તસ્વીર દીપક સોલંકી ચીખલી