(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલીમાં કિલવણી પટેલાદ, સુરંગી ગામમાં અને દરેક પંચાયતોમાં આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પ્રદેશના આદિવાસી યુવાઓ દ્વારા કિલવણી પટેલાદના ગલોન્ડા જમાલપાડા કાર્યક્રમ સ્થળથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સિલી ફાટક, ડોકમરડી, પીપરિયા પોલીસ સ્ટેશન, આમલી ફૂવારા, સેલવાસ પોલીસ સ્ટેશનઝંડા ચોક થઈ કિલવણી નાકા બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી. જ્યાં ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું પુષ્પમાળા અને દીપ પ્રજ્વલનથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી ફરીથી કાર્યક્રમ સ્થળ ગલોન્ડા જમાલપાડા ખાતે પહોંચી હતી. જ્યાં આદિવાસી ધરતી પૂજન, સાક્ય પૂજા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી મહાપુરુષોનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં સ્વાગત ગીત અને આદિવાસી સમાજના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું.
બાવીસા ફળિયા સેલવાસ ખાતે બરમદેવ મંદિરે પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’નીઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ શ્રીમતી મીનાબેન દિલીપભાઈ પટેલ તેમજ બાવીસા ફળિયા બાલદેવી કાકડ ફળિયાના આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
નરોલીમાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી આદિત્ય એન.જી.ઓ દ્વારા રેલી કાઢી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. સુરંગીમાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આમ સમગ્ર પ્રદેશમાં વિવિધ જગ્યાએ ધામધૂમથી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.