ચીકલીગર ગેંગના 6 પૈકી 4 આરોપીઓ અંધારામાં ફરાર : આરોપીઓ પાસેથી ડ્રીલ મશીન, તલવાર, છરા-ચપ્પુ જેવા હથિયારો મળી આવ્યાઃ પકડાયેલા બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ગત તા. 11મી ઓગષ્ટના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ચીખલીને અડીને આવેલા થાલા ગામમાં નહેર પાસે હાથમાં બેગ અને મોઢે માસ્ક પહેરેલા છ જેટલા અજાણ્યા શખ્સો ગામમાં આવ્યા હતા. આ સમયે નહેર પાસે ઉભેલા સ્થાનિકોને શંકા જતા તેઓને પૂછતા ‘આગે આઓ હમ દિખાતે હૈ કી હમ કૌન હૈ’ તેવો જવાબ આપતા સ્થાનિકોએ બૂમાબૂમ કરતા બેગ ફેંકીને ચાર જેટલા અંધારામાં ભાગી છૂટયા હતા. આદરમ્યાન પેટ્રોલિંગ કરી રહેલ પીએસઆઈ સમીરભાઈ કડીવાલા, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ, ભરતભાઇ, ગણપતભાઇ સહિતનો સ્ટાફ પણ આવી પહોંચતા સ્થાનિકોએ પીછો કરી એકને વિમલ ગેસ્ટ હાઉસના પાછળના અને બીજાને મુખ્ય માર્ગ પરથી દબોચી લીધા હતા.
પોલીસે સ્થાનિકોની મદદથી ચીકલીગર ગેંગના કુલદીપસિંગ ઉર્ફે દિપુસિંગ જગજીતસિંગ દૂધાની (રહે.નિસર્ગ બિલ્ડીંગ, નોવરે નગર, અંબરનાથ, ઈસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર) તથા રઘુવીરસિંગ ચંદુસિંગ ટાંક (રહે.પરતુર ગાવ, લહુજી નગર, મુંબઈ મહારાષ્ટ્ર) એમ બે ની ધરપકડ કરી હતી. જ્યારે ભૂષણ તેમજ વિક્કી અને થોમસ તથા એક અજાણ્યા સહિત ચાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા બે શખ્સોને ચીખલીની નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બન્ને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. બનાવની વધુ તપાસ ચીખલીના પીઆઈ એન.એમ. આહિર કરી રહ્યા છે.