(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના નાયબ દંડક ધવલભાઈ પટેલે ચીખલી સર્કિટ હાઉસ ખાતર ચીખલી અને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ તથા ચુનિભાઈ, મહામંત્રી લિતેશ ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, એપીએસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ, ભાજપ કિશાન મોરચા આઇટી સેલના દીપકભાઈ સોલંકી, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્થિતમાં તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામ તાલુકાના 41-ગામોના કાર્યકરો સાથે બેઠક યોજી તમામ સાથે પરિચય કરી રજૂઆતો સાંભળી હતી.
બાદમાં સાંસદ ધવલભાઈ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દેશની વડી અદાલતની વાતને ટાંકીને કોંગ્રેસ,આમ આદમી પાર્ટીસહિત વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આદિવાસીઓને અનામતના મુદ્દે ગેરમાર્ગે દોરી ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્પષ્ટ અનામતમાં નોન ક્રિમિલેયર કે કોઈ પેટા કેટેગરી ભાજપ સરકાર કરવાની નથી. અને અનામતની વર્તમાન જોગવાઈમાં પણ કોઈ ફેરફાર કરવાની નથી. ત્યારે લોકોને ગેરમાર્ગે દોરનારા નેતાઓને જ તેમના પક્ષનું વલણ શું છે તે જાહેર કરવા જણાવી જડબાતોડ જવાબ આપવા હાંકલ કરી હતી. સાથે ધવલ પટેલે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, બજેટમાં વધારો, એકલવ્ય જેવી શાળાઓ વિજ્ઞાન પ્રવાહની શાળા કોલેજ, સિકલસેલ રોગને નાથવા માટે જોગવાઈ સહિત આદિવાસીઓ માટે ભાજપ સરકારે અનેક કાર્યો કર્યા હોવાનું ઉમેર્યું હતું. સાથે તેમણે નજીકના દિવસોમાં લોક દરબાર યોજવાની પણ જાહેરાત કરી હતી.
