(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોરોનાના કેસમાં નોîધપાત્ર ઘટાડો થતાં અને સક્રિય કેસો પણ નહીંવત રહેતાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન્સ મુજબ આજથી ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગો અોફલાઈન શરૂ થતાં શાળા કેમ્પસમાં લાંબા સમય બાદ ખિલખિલાટ જાવા મળ્યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસને કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે વિદ્યાર્થીઓના વાલીની સહમતિ લઈ આજથી વર્ગખંડોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પ્રારંભમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ દરમિયાન પુષ્પ આપી સન્માનિત કરાયા હતા અને તમામના ટેમ્પરેચરની માપણી પણ કરવામાં આવી હતી. ફરજીયાત માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડોનો આરંભ થયો છે.
સંઘપ્રદેશ પ્રશાસને ૮મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજથી ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ આજે ઍટલે કે, ૧લી સપ્ટેમ્બરથી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે. શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓમાં પણ આનંદની લાગણી જાવા મળી રહી છે.
