(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અભિયાન અંતર્ગત સેલવાસના દ્વારા કલા કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રદર્શિત કરવા સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અભિયાન હેઠળ આયોજીત જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમમાં ચાર વિભાગ બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેક વિભાગની અલગ થીમ હતી. પ્રથમ ખાનવેલ વિભાગ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, બીજો દપાડા વિભાગ ‘સ્થાનિક કલા અને સંસ્કૃતિ’, ત્રીજો ગલોંડા વિભાગ ‘નિપુણ ભારત, એક લક્ષ્ય’ અને ચોથોસેલવાસ વિભાગ ‘પર્યાવરણ સંરક્ષણ એક સંદેશ’ આ તમામ થીમ પર 22 ઝોનમાંથી લોકનૃત્ય, નાટક, વાર્તાકથન, નૃત્ય, લોકગીતો, વાર્તાઓ વગેરે કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ રંગોત્સવમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમમાં પ્રથમ સ્થાન સી.પી.એસ. કરચોન્ડ અને દ્વિતીય સ્થાન પી.એસ. ચીખલીપાડા ક્લસ્ટર દૂધનીએ મેળવ્યું હતું. સ્થાનિક કલા અને સંસ્કૃતિ થીમમાં પ્રથમ સ્થાન પી.એસ. શિંગાડપાડા ક્લસ્ટર દપાડા ગુજરાતી માધ્યમ અને બીજું સ્થાન સી.પી.એસ. વાસોણાએ મેળવ્યું હતું. ‘નિપુણ ભારત’ થીમમાં પ્રથમ સ્થાન સી.પી.એસ. ફલાંડી ગુજરાતી માધ્યમ અને દ્વિતીય સ્થાન પી.એસ. ખોરીપાડા, રાંધાના ફાળે ગયું હતું.
પર્યાવરણ સુરક્ષા થીમમાં પ્રથમ સ્થાન સી.પી.એસ. સેલવાસ અંગ્રેજી માધ્યમ અને બીજું સ્થાન પૃથ્વીરાજ ચૌહાણ અંગ્રેજી માધ્યમને મળ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત અધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ રંગોત્સવ કાર્યક્રમને સંબોધતા પ્રદેશ મદદનીશ પ્રોજેક્ટ ડાયરેક્ટર પરિતોષ શુક્લાએ જણાવ્યું હતું કે, આજે જે વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરવા આવ્યા હતા તેઓ ભવિષ્યમાં તેમની કલા અને સંસ્કૃતિનું જતન કરશે. તેમજ આ પ્લેટફોર્મનો અનુભવ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં થનારા નાટ્ય અને કલા ઉત્સવના કાર્યક્રમોમાં ઉપયોગીથશે.
કાર્યક્રમના અંતે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશ ભંડારીએ ગ્રામ્ય શાળાઓના બાળકોએ પણ તેમની પ્રતિભા અદ્ભૂત રીતે પ્રદર્શિત કરી હતી અને તમામ શિક્ષકોને શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપવા અનુરોધ કર્યો હતો.
આ રંગોત્સવ કાર્યક્રમનું આયોજન શિક્ષણ સચિવ શ્રી અરુણ ટી. અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણાધિકારી શ્રી બળવંત પાટીલ, ખેલ શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગ વોરા, ડી.પી.સી.ઓ. ડો. સતીશ પટેલ, બી.આર.સી. એ.એસ. વ્હોરાએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. રંગોત્સવને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષાની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/08/Kala-960x534.jpg)