(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવ શિક્ષણ નિર્દેશાલય દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક અને અનુસંધાન પરિષદ નવી દીલ્હીના સહયોગથી બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે ઉદ્ઘાટન સરકારી માધ્યમિક શાળા મસાટના પરિસરમાં નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમારના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.
આ અવસરે શિક્ષણ અધિકારી શ્રી આર.આર.મોહિલેએ બે દિવસીય પ્રદર્શનીની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. સહાયક શિક્ષા નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાએ પ્રદર્શનીના વિષય પર વિસ્તૃત જાણકારી આપી હતી.
આ અવસરે સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમારે વિજ્ઞાનનું મહત્વ, તાર્કિકતા અને એની ઉપયોગીતા અંગે જાણકારી આપી હતી અને સાથે એમણે એમના વિદ્યાર્થી જીવનના વિજ્ઞાન પ્રદર્શની સંબંધિત સંસ્મરણો યાદ કર્યા હતા. આ પ્રદર્શનીનીમુખ્ય થીમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર અંતર્ગત 7 સબથીમ રાખવામાં આવી હતી. જેમાં ફૂડ, હેલ્થ એન્ડ હાઈજીન, ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, નેચરલ ફોર્મિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેથેમેટિકલ મેડિલિંગ એન્ડ કમ્પ્યુટેશનલ થીંકીંગ, મેનેજમેન્ટ અને રિસોર્સ મેનેજમેન્ટ વગેરે.
આ પ્રદર્શનીમાં દાનહની 34 સરકારી, 19 ખાનગી અને દમણની 06 જેટલી સરકારી અને ત્રણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનીમાં કુલ 155 મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં વર્કિંગ મોડલ 76, સ્ટેટિક મોડલ 55 અને પ્રોજેક્ટની સંખ્યા 24 છે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ નિવાસી નાયબ કલેક્ટરશ્રી અને અધિકારીઓએ પ્રદર્શનીનું અવલોકન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી ડી.ડી.મન્સૂરી, શ્રી પી.વી.શુક્લા, રમત-ગમત અધિકારી શ્રી ગૌરાંગ વોરા, શિક્ષણ અધિકારી શ્રી આર.આર.મોહિલે, દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, શાળાના આચાર્ય શ્રી આર.વી.પટેલ, જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્થા દમણ, વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો, બાળ વૈજ્ઞાનિક અને એમના માર્ગદર્શક શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.