બ્રેઝા કારના ફૂરચેફૂરચાં ઉડી ગયાઃ સદ્નશીબે કોઈ જાનહાની નહીં
ગાડીમાં ચાલક સહિત ત્રણ યુવાન અને એક યુવતી બેઠા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : મોટી દમણ બજાર સાઈડથી ઢોલર તરફ આવી રહેલ બ્રેઝા ગાડીના ચાલકે ખુબ જ ઝડપથી પોતાની કાર ચલાવી વી.વી.આઈ.પી. સરકિટ હાઉસની બાજુની કમ્પાઉન્ડ વોલમાં અથડાવી દેતાં થયેલા અકસ્માતમાં ગાડીના ફૂરચેફૂરચાં ઉડી ગયા હતા અને સદ્નશીબે કારચાલક સહિત અંદર બેઠેલાઓને નાની-મોટી ઈજા સિવાય કોઈ ગંભીર રીતે ઘાયલ નહીં થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓની માહિતી પ્રમાણે બ્રેઝા ગાડી નંબરજીજે-15 સીકે-0635ના ચાલક અને એક યુવતિ તથા અન્ય બે યુવાનો મોટી દમણ માર્કેટ તરફથી ઢોલર બાજુ આવી રહ્યા હતા. ગાડીના ચાલકે ખુબ જ નશો કરેલ હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. આ ગાડી અકસ્માત કરવા પહેલાં મોટી દમણના નવા જમ્પોર રોડ તરફ પણ આંટાફેરા મારતી નજરે પડી હતી.
મોટી દમણ જેવા જાહેર માર્ગ ઉપર ભયાનક સ્પીડમાં નશો કરેલી હાલતમાં ગાડીની અવર-જવર ઘણી વખત થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કે પોલીસતંત્રનું ધ્યાન પણ નહીં ગયું તે આヘર્યજનક છે.
સદ્નશીબે અકસ્માત સર્જાયો તે સમયે રોડ ઉપર અન્ય વાહન કે રાહદારીઓની કોઈ અવર-જવર નહીં હતી. વી.વી.આઈ.પી. સરકિટ હાઉસ જેવા વિસ્તારની કમ્પાઉન્ડ વોલની દિવાલ સાથે કાર અથડાવાની ઘટનાને ગંભીરતાથી લેવી જરૂરી છે. કાર અથડાતા કમ્પાઉન્ડ વોલની દિવાલ પણ તૂટી જવા પામી છે અને ગાડી દિવાલમાં અથડાઈને સ્ટ્રીટ લાઈટના પોલને અથડાયા બાદ ઢોલર તરફ લગભગ 12 થી 15 ફૂટ જેટલી લાંબે ફંગોળાઈ હતી.