શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે દ્વારા રોડ સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
સડક પર દોરાયેલા ચિન્હો અંગે પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સમજઆપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: પારડીની વલ્લભસંસ્કાર ધામ ડે બોર્ડિગ શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વકતા તરીકે મોટર વાહન નિરિક્ષક ડી.એ. પટેલે પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને રોડ સુરક્ષાના નિયમો અંગે માહિતગાર કર્યા હતા. નિયમો જેવા કે હેલ્મેટનો ઉપયોગ, સીટ બેલ્ટનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ કરવો નહિ, અન્ય વાહનોથી સલામત અંતર, ગતિ મર્યાદામાં ડ્રાઈવિંગ, યોગ્ય પાર્કિંગ, સજાગ ડ્રાઇવિંગ વગેરે માહિતી આપી હતી. આ ઉપરંત તેઓએ સડક પર દોરાયેલા ચિન્હો (ય્બ્ખ્ઝ પ્ખ્ય્ધ્ત્ફઞ્) વિશે જેમ કે, ઝીબ્રા ક્રોસિંગ, સફેદ રંગની તૂટક રેખા, સફેદ રંગની સળંગ રેખા, પીળા રંગની તૂટક રેખા, પીળા રંગની સળંગ રેખા, પીળા રંગની બે સળંગ રેખા વિશે તેમજ અલગ અલગ નિશાનીઓ, માહિતીદર્શક ચિન્હો વિશેનું જ્ઞાન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે દરરોજના સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં માત્ર અકસ્માતના લીધે કેટલા લોકો મૃત્યુ પામે છે તેનાથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, જો તમે રોડ પર અકસ્માત જૂઓ તો તરત જ શરૂઆતની સારવારની સાથે 108 નંબર પર ગભરાયા વગર ફોન કરવો જોઈએ તેમજ ગુડ સમેરિટન એવોર્ડ વિશે પણચર્ચા કરી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પ્રશ્નોનું નિવારણ પણ થયું હતું. તદ્ઉપરાંત શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા તેમજ શાળાના આચાર્યશ્રી દેવેન્દ્ર સિંઘે વિદ્યાર્થીઓને સ્વયંની સાવચેતી રાખવા માટે તેમજ તમારું જીવન માતા-પિતા માટે કેટલું અગત્યનું છે વગેરે જીવન ઉપયોગી સમજ આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે રોડ સુરક્ષા પર સરસ મજાનું નુક્કડ નાટક રજૂ કરી સરસ મજાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે દ્વારા રોડ સુરક્ષા પર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટર વાહન નિરિક્ષક આર.એસ.રાઠોડ અને સહાયક મોટર વાહન નિરિક્ષક કે. જી. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.