(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકામાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગનીઆગાહી વચ્ચે મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી. મધરાત્રે ગાજવીજ સાથે બે વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ દરમ્યાન મધરાત્રે બે વાગ્યા બાદ તાલુકાના બારોલીયા ગામમાં વંટોળ ફૂંકાતા હળપતિવાસમાં એક જ ફળીયાના વિસ્તારને ઝપેટમાં લેતા 10થી વધુ ઘરોના પતરા ઉડી હવામાં ફંગોળાઈને પડતા ભરચોમાસે આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં સરફરાજભાઇ કરોલીયા, ઈમરાનભાઇ કરોલિયા, મીનાબેન હળપતિ, સુરેશભાઈ હળપતિના ઘરોને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ ઉપરાંત મોહમ્મદભાઈ કરોલિયા, મુસા યુનુસુ રાવતની વાડીમાં અનેક આંબા કલમના જૂના ઝાડો ભોંય ભેંગા થતા પારાવાર નુકસાન થવા પામ્યું હતું. ગામના સરપંચ અને તલાટી સહિતના સ્ટાફ દ્વારા નુકસાની અંગેનો સર્વે કરી પંચકયાસ સહિતની તજવીજ હાથ ધરી હતી. બારોલીયા ગામમાં ઈજનેર અર્પિતાબેન સહિતનાએ પણ સ્થળ મુલાકાત કરી હતી. બારોલીયામાં મધરાત્રે વાવાઝોડાએ એક જ ફળિયાને ઝપેટમાં લેતા ખાસ કરીને વરસાદના દિવસોમાં શ્રમજીવી પરિવારો કફોડી હાલતમાં મુકાયા હતા. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી નુકસાન પેટે વળતર ચૂકવાઈ તે જરૂરી છે.
આ ઉપરાંત ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ વચ્ચે તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી બાર વાગ્યે આઠ ફૂટહતી. જેમાં ઝડપભેર વધારો થતાં બે કલાકમાં જ 13-ફૂટે પહોંચી હતી. અને સતત વધારો થતાં તંત્ર દ્વારા હરણગામ, હોન્ડ સહિતના કાંઠાના ગામોમાં સરપંચ, તલાટી સહિતનાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ચીખલીમાં દિવસભર ઘનધોર વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલું રહેતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી સાથે ડાંગર સહિતના ખેતીપાકોને પણ રાહત થઈ હતી. તાલુકામાં સાંજે ચાર વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં 1.02 ઇંચ સાથે સિઝનનો કુલ વરસાદ 91.08 ઇંચ નોંધાયો હતો.
=========