ચીટર મહિલા ગેંગ સુરતથી સેલવાસ આવી વિવિધ જ્વેલરીના દુકાનદારોને અસલી બિલ બતાવી નકલી દાગીના પધરાવી ઓરીજનલ દાગીના લઈ ફરાર થઈ જતી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેલવાસના કિલવણી નાકા નજીક આવેલ જ્વેલર્સની દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા ગેંગ નકલી સોનાના દાગીનાના બદલે અસલી સોનાના દાગીના લઈ ચૂનો ચોપડી રહી હતી. સેલવાસના પાંચથી વધુ જ્વેલરોને આ મહિલા ગેંગ છેતરી ગઈ હતી. આ મહિલાઓના હાથે છેતરાયેલ ધનલક્ષ્મી જ્વેલર્સના માલિક સહિત અન્ય જ્વેલર્સે આ મહિલા ગેંગને પકડવા માટે તૈયારી કરી લીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક મહિલા 28 સપ્ટેમ્બરના રોજ ફરી ધનલક્ષ્મી જ્વેલર્સમાં પહોંચી હતી અને નકલી સોનાના દાગીના અને જ્વેલર્સનું ઓરીજનલ બિલ આપી બીજા દાગીના કઢાવ્યા હતા. જ્વેલર્સે મોકો જોઈ આજુબાજુના અન્ય જ્વેલર્સોને બોલાવી લીધા હતા. દુકાનની અંદર બેસેલી મહિલાને શંકા જતા ભાગવાની કોશિશ કરી રહી હતી, જેને તમામ જ્વેલર્સોએ પકડી રાખી બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા મહિલાએ ગુનોકબૂલતાં જણાવ્યું કે તેઓ સુરતથી આવી અહીંના જ્વેલરી વેપારીઓને ઓરીજનલ બિલ અને નકલી દાગીના પધરાવી તેના બદલામાં અસલી દાગીના લઈને રફૂચક્કર થઈ જતી હતી. અસલી બિલ આપતા હોવાના કારણે જ્વેલર્સો પણ તાત્કાલિક દાગીના ચેક કરતા ન હતા, પરંતુ જ્યારે આ મહિલાઓની અસલિયત ખબર પડતાં વેપારીઓએ ચીટર મહિલા ગેંગને પકડવાનું બીડું ઝડપ્યું હતું અને પ્લાન ઘડી કાઢયો હતો અને અંતે તેમાં તેઓ સફળ થયા હતા.
હાલમાં છેતરપિંડી કરી જ્વેલર્સોને લૂંટથી ચીટર મહિલા ગેંગને દાનહ પોલીસને હવાલે કરી દેવામાં આવી છે. સેલવાસ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.