હિન્દી પખવાડા કાર્યક્રમ દરમિયાન પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, બેંક કર્મીઓ, સરકારી- ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ, હિન્દી નોંધ, પ્રારૂપ લેખન, શબ્દભંડોળ જ્ઞાન, જોડણી સુધારણા, શ્રુતલેખન, સામાન્ય જ્ઞાન, હિન્દી ટાઈપિંગ, દેશભક્તિ ગીત તથા વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/ સેલવાસ, તા.03: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજભાષા સચિવશ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં તથા રાજભાષા સંયુક્ત સચિવ શ્રી શિવમ તેવટિયાના દિશા-નિર્દેશ મુજબ દમણમાં ‘હિન્દી પખવાડા’નો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે દાનહમાં ગઈકાલ તા.2જી સપ્ટેમ્બરના સોમવારથી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ, ડોકમરડી ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ભગવાન ઝાના મુખ્ય અતિથિ પદે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિન્દી સહાયક ડૉ. અનિતા કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાજભાષા વિભાગ દ્વારા તા.2 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2024 સુધી ‘હિન્દી પખવાડા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત હિન્દી નિબંધ, હિન્દી વક્તૃત્વ, હિન્દી કોમપ્યુટર, હિન્દી નોંધ અને પ્રારૂપ લેખન, હિન્દી દેશભક્તિ ગીત તથા હિન્દી શ્રુત લેખન વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણ જિલ્લામાં ‘હિન્દી પખવાડા’ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને આનંદ-ઉત્સાહથી ભાગ લીધો હતો અને નિબંધ લેખન સ્પર્ધામાં પોતાપોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.
માધ્યમિક શ્રેણીના વિદ્યાર્થીઓએ ‘‘जीवन में समय का महत्त्व’’ વિષય ઉપર અને ઉચ્ચત્તર માધ્યમિક શ્રેણીમાં વિદ્યાર્થીઓએ ‘‘अंतरिक्ष में भारत के बढते कदम’’ વિષય ઉપર નિબંધ લેખન કર્યું હતું. આ નિબંધ સ્પર્ધાઓમાં દમણ જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
અત્રે યાદ રહે કે, રાજભાષા વિભાગ, દમણ દ્વારા પખવાડા દરમિયાન પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, બેંકના કર્મીચારીઓ અને સરકારી તથા ખાનગી શાળાઓના માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ જેમ કે, નિબંધ, હિન્દી નોંધ અને પ્રારૂપ લેખન, શબ્દભંડોળ જ્ઞાન, જોડણી સુધારણા અને શ્રુતલેખન, સામાન્ય જ્ઞાન, હિન્દી ટાઈપિંગ અને દેશભક્તિ ગીત તથા વક્તૃત્વ સ્પર્ધાઓ રાખવામાં આવી છે.
અત્રે આયોજીત હિન્દી પખવાડાનું સમાપન સમારોહ અને પુરસ્કાર વિતરણ સમારોહ આગામી તા.20મી સપ્ટેમ્બર, 2024ના શુક્રવારે યોજાશે. આ અવસરે પખવાડા દરમિયાન વિજેતા સ્પર્ધકોને પુરસ્કારના રૂપમાં ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.
દમણ જિલ્લામાં આજે આયોજીત નિબંધ સ્પર્ધામાં રાજભાષા વિભાગના સહાયક નિર્દેશક અને અન્ય કર્મચારીઓની મુખ્ય ફાળો રહ્યો હતો.