(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને શુભેચ્છા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ વર્ષથી દીવના ઘોઘલામાં પોસ્ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર તેમની વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયા હતા. આજે તેમના માન-સન્માનમાં વિદાય સમારોહનું આયોજન સરકારી માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ખુબ જ લોકચાહના તથા તેમની સુંદર ઉત્કૃષ્ટ કામગીરી બદલ સેવાનિવૃત્ત પોસ્ટમેન શ્રી ડાહ્યાભાઈ પરમારનું શાલ ઓઢાડી, સ્મૃતિ ચિન્હ આપી તથા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ડાહ્યાભાઈ પરમારે સન્માન સભારંભમાં ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગેઉપસ્થિત ખારવા સમાજના પૂર્વ પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાએ શ્રી ડાહ્યાભાઈ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમણે વર્ષો પહેલાની યાદો-ઘટનાઓને વાગોળતા જણાવ્યું હતું કે પહેલાં લોકો ‘‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા” ગીતની જેમ આતુરતાથી પોસ્ટમેન(ટપાલી)ની રાહ જોતા હતા, ત્યારથી આજ સુધી શ્રી ડાહ્યાભાઈએ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી છે. આ પ્રસંગે ઉપસ્થિત પોસ્ટમાસ્ટરોએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી હતી, અને આગામી તેમનું જીવન તંદુરસ્ત, નિરોગી અને સુખમય રહે તેવી કામના કરી હતી.