શિક્ષણ સમિતિના રેઢિયાળ કારભારથી સ્થાનિકોમાં ભારે રોષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને છ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના ઓરડા જર્જરીત થતાં બે વર્ષ પૂર્વે આ જર્જરિત ઓરડાઓનેતોડી નાખવામાં આવ્યા હતા. બાદમાં ઓરડાની સંખ્યા ટેન્ડરની આંટીઘુંટીમાં આજ દિન સુધી નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી અને છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફળિયામાં આવેલ ચર્ચમાં 6 થી 8 ધોરણના ત્રણ વર્ગના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસવાની મંજૂરી આપી સુવિધા ઉપલબ્ધ કરાવી સેવાકીય અભિગમ દાખવતા બાળકો અને વાલીઓને રાહત થવા પામી હતી. સ્થાનિકો ચર્ચના અભિગમને બિરદાવી રહ્યા છે.
જોકે ઓરડાના અભાવે બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને લાંબા સમયથી ઓરડાઓનું બાંધકામ નહીં થતા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવનાર દિવસોમાં સ્થાનિકો તંત્રના રેઢીયાળ કારભાર સામે બાયો ચડાવી આક્રમક કાર્યક્રમો આપે તો નવાઈ નહીં, આ સ્થિતિમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું.
આ બાબતે વાંઝણા ગામના પૂર્વ સરપંચ શ્રી નલીનભાઈના જણાવ્યાનુસાર નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ માટે ઇજારદાર દ્વારા માલ સામાન પણ નાખી દેવાયો હતો. પરંતુ તે પણ રિટર્ન ભરી લેવાયું હતું અને ત્યારબાદ કોઈ આવ્યું નથી અને હાલમાં એકાદ વર્ષ કરતાં વધુ સમયથીત્રણ ધોરણના બાળકોને ચર્ચમાં બેસાડી અભ્યાસવર્ગો ચાલાવાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે બાંધકામ શરૂ થાય તે જરૂરી છે.
જ્યારે સર્વ શિક્ષા અભિયાનના ટી.આર.પી. શ્રી જાવેદભાઈના જણાવ્યાનુસાર નાયકીવાડ પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા મંજૂર થયા હતા. પરંતુ પાછળથી ચાર ઓરડાની માંગણી કરાતા તા.31.12.2021ના રોજ સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર દ્વારા ચાર ઓરડાની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલ હતું પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ન ભરતા રીટર્નલની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.