ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા અરૂણ મિસ્ત્રિ મોપેડ લઈ
લીલાપોર કોસ્ટલ હાઈવેથી પસાર થઈ રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડમાં સતત ત્રીજા દિવસે રખડતા ઢોરોને લઈ વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયે છે. બે દિવસ પહેલાં અતુલ હાઈવે ઉપર બે યુવાનની બાઈકને આખલાઓ ટકરાતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુંહતું. તેવો વધુ એક બનાવ બુધવારે રાત્રે લીલાપોર કોસ્ટલ હાઈવે ઉપર બન્યો હતો. વલસાડ નગરપાલિકાના કર્મચારી મોપેડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરો મોપેડ સાથે ભટકાતા કર્મચારી મોપેડ પરથી રોડ ઉપર પટકાતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા હાલર કાલિંદી એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણભાઈ મગનભાઈ મિસ્ત્રિ ઉ.વ.54 તેમની મોપેડ નં.જીજે 15 બી.એમ. 1477 ઉપર સવાર થઈને લીલાપોર કોસ્ટલ હાઈવે ઉપરથી રાત્રે પસાર થતા હતા ત્યારે રખડતા ઢોર લડતા લડતા મોપેડ સાથે ભટકાયા હતા તેથી ગંભીર અકસ્માત સર્જાતા અરૂણભાઈ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પાલિકા કર્મચારીઓ દોડી આવ્યા હતા. કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ અરૂણભાઈને મૃત જાહેર કર્યા હતા.