ચલા પ્રમુખ ગ્રીન સભાખંડમાં વિપ્ર મહિલાઓએ પરંપરાગત ગણગૌર ઉત્સવની શાનદાર ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપીમાં રાજસ્થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા તાજેતરમાં ગણગોર ઉત્સવની ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના સભાખંડમાં ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં વિપ્ર સમાજની સેંકડો મહિલા જોડાઈ હતી.
વાપી ગ્રીન સોસાયટીમાં આયોજીત થયેલ ગણગૌર ઉત્સવમાં વિપ્ર સમાજ મહિલા મંડળના પ્રમુખ રેખાબેન અશોક શર્મા, પૂર્વ અધ્યક્ષ અંજુબેન રાકેશ શર્મા, સંયોજીકા સુનંદાબેન જોષી, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ બહેનોને ગણગૌરની સામુહિક પૂજા-અર્ચના કરી હતી. સાથેસાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ ગણેશ વંદનાથી શ્રૃતિબેન દાયમાએ કર્યો હતો. રાજસ્થાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ સજી-ધજીને મારી ઘુમર છે અખરાળી જી રાજ ની અદ્ભુત પ્રસ્તૂતિ કરી હતી. ત્યારબાદ મંજુલાબેન, ઉમાબેન, સુમનબેન અને આરતીબેનએ સામુહિક લોકનૃત્ય રજૂ કર્યું હતું. બાલમ છોટો ગીતમાં જ્યોતિ શર્માએ બાલ કલાકારો સાથે ભરપુર મનોરંજન કર્યું હતું. મંડળ સચિવ મનિષાબેન દિનેશભાઈ દાયમાએ કાર્યક્રમમાં સહયોગી બનવા માટે સૌનો આભાર માની પારિવારીક ભોજન કાર્યક્રમ સમાપ્ત થયો હતો.