(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.૦૫: જીસીઈઆરટી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ત્રણ ત્રણ વિજ્ઞાન શિક્ષકોની ધોરણ છ થી આઠના અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિઓ આધારિત રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિરનું તારીખ 2, 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 103 જેટલા તજજ્ઞ શિક્ષકોએ તાલીમમાં ભાગ લીધો હતો.
જીસીઈઆરટી ગાંધીનગરથી આ કાર્યક્રમ માટે તજજ્ઞ તરીકે શ્રી કપિલદેવ વસાણી, શ્રી ભાર્ગવ ઠક્કર, શ્રી હિરેનભાઈ વ્યાસ, શ્રીમતી તૃપ્તિબેન પારેખ સહિત અન્ય કી રિસોર્સ પર્સન આ તાલીમમાં હાજર રહ્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર શ્રી પ્રજ્ઞેશ રાઠોડ એ પણ સદર કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સેવા આપી હતી. તેમજ ફન એટ લો ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજન શો નું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ૩ દિવસના કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે 3ડી શો તારામંડલ શો વિવિધ પ્રયોગો, પ્રવૃત્તિઓ અને નિદર્શનનું આયોજન થયું હતું. સમગ્રપણે રાજ્યના દરેક જિલ્લામાંથી પધારેલા શિક્ષકોએ આ તાલીમ તેમને ભવિષ્યમાં યોજનાર શિક્ષક તાલીમ માટે ખૂબ સારા કૌશલ્યો અને સમજણ પ્રદાન કરનારી બની રહી તેવા હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઈ આર. પટેલે સમગ્ર તાલીમ દરમિયાન હાજર રહીને શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.