(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બાબા રામદેવ પીરની ભાદરવી બીજના પવિત્ર પર્વ નિમિત્તે દમણથી વાપીના નામધા ખાતે રામદેવ પીર બાબા મંદિર પરિસર સુધી ધ્વજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોએ વિવિધ સ્થળોએ ફુલોની વર્ષા કરી પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પદયાત્રા દમણના ભીમપોરથી સોમનાથ થઈને વાપીના નામધામાં બાબા રામદેવ પીરના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં દમણમાં સ્થાયીરાજસ્થાની સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પીર મંદિરના સાનિધ્યમાં ગત રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહા આરતી બાદ તમામ ભક્તોને ગુરુની પ્રસાદી આપવામાં આવી હતી.