અદ્યતન ભવ્ય પક્ષીઘરના નિર્માણથી દમણના પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લાગવાનો મજબૂત બનેલો વિશ્વાસ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને નવતર પહેલ ઉપર પણ મહોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના આજથી ત્રી-દિવસીય સંઘપ્રદેશ પ્રવાસનો આરંભ થયો હતો. આજે દમણ ખાતે ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું દમણ એરપોર્ટ ઉપર રાષ્ટ્રીય સન્માન સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે મોટી દમણના જમ્પોર ખાતે કુલ 2.40 હેક્ટર જમીન ઉપર નિર્માણ પામેલા દેશના સૌથી મોટા અને ભવ્ય એવીએરિ(પક્ષીઘર)નું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમણે પક્ષીઘરમાં પક્ષીઓને પણ છૂટા મુક્યા હતા. અદ્યતન ભવ્ય પક્ષીઘરના નિર્માણથી દમણના પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લાગવાનો વિશ્વાસ પણ પ્રગટ થયો હતો.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે દમણની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓની પણ મુલાકાત લીધી હતી. જેમાં સરકારી એન્જિનિયરીંગ કોલેજ વરકુંડ, રીંગણવાડા સ્કૂલ તથા રીંગણવાડા સ્કૂલની બાજુમાં આવેલ સોમનાથ પંચાયત ઘરનીપણ તેમણે મુલાકાત લઈ પોતાની ખુશી પ્રગટ કરી હતી.
ઉપ રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી શાળામાં મળતી વિવિધ સુવિધાઓની પણ જાણકારી મેળવી હતી. સમી સાંજે ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે નમો પથ ઉપર પ્રશાસકશ્રીની સાથે સેલ્ફી પોઈંટ ઉપર ફોટો પણ લીધો હતો. ત્યારબાદ તેમણે દમણના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.