હાઈવે પર ખાડા, બંધ સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો ચર્ચાયા
જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનો સુચારૂ પાલન કરવા માટે કલેકટરશ્રીએ જણાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની કમિટીની બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં માર્ગ સલામતીની અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અંગે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી દવેએ બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે અને ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ માર્ગ સલામતી બાબતે અને અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ ઉપર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીને સત્વરે પૂરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી જાહેર રસ્તા પર ટ્રાફિકનું નિયમોનો સુચારૂ પાલન કરવામાં આવે એવુ જણાવ્યું હતું.
સાંસદશ્રી ધવલભાઈ પટેલે વલસાડના રસ્તાઓની બિસ્માર હાલત અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અંતર્ગત આવતા NH-48 અને NH-848, સ્ટેટ R&B, નગરપાલિકાઓ અને R&B (પંચાયત) ને આ અંગે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. હાલત સુધર્યા બાદ સાંસદ અને લોકસભા દંડક પોતે જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી સાથે તમામ રસ્તાઓનું નિરીક્ષણ કરશે.
આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા એન એચ ૪૮ ઉપર વિવિધ જગ્યાઓ પડેલા ખાડાઓને સત્વરે રીપેર કરવા બાબતે, રેમન્ડ ખડકી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓના કાયમી ઉકેલ બાબતે, હાઇવેના તમામ ઓવરબ્રિજ ઉપર બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે, એન એચ સ્ટેટ કપરાડા હાઇવેનું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સોલ્યુશન બાબતે, વાપી રેલવે સ્ટેશન પાસે થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ બાબતે, હાઇવે ડ્રેનેજ લાઈન ઉપરના કવર સહિતના વિવિધ મુદ્દા જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજૂ કરાયા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એન.એચ.ગજેરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.