આયોજક ઈન્ડીયા બાઈક વિથ ચાય પકોડા રાઈડના સંચાલક શિવમ પવાર સહિત 9 વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ હાઈવે રોલા ગામે એક હોટલના પાર્કિંગમાં રવિવારે બાઈકર્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ બાઈકર્સે જોખમી સ્ટંટ કરેલો વિડીયો વાયરલ થયેલો. જેની જાણ પોલીસને થતા તુરંત એકશન લેવાઈ હતી. આયોજક સહિત 9ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોવર્સ વધારવાની ઘેલછા આજકાલ યુવાનોમાં હદથી પણ વધારે જોવા મળે છે. તેવી જીવના જોખમે સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનુંઆયોજન વલસાડ હાઈવે રોલા ગામે આવેલ ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડ પાર્કિંગમાં રવિવારે બાઈકર્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઈન્ડીયા બાઈક વિથ ચાય-પકોડા રાઈડના સંચાલક શિવમ પવારે કર્યું હતું. કેટલાક બાઈકર્સે હાઈવે ઉપર પણ સ્ટંટ કર્યા હતા. જેનો વિડીયો વાયરલ થતાં ડુંગરી પોલીસ એકશનમાં આવી હતી. આયોજક સહિત 9 બાઈકર્સ વિરૂધ્ધ ગુનો નોંધી બાઈકો જપ્ત કરીને પોલીસે જોખમી સ્ટંટ કરનાર બાઈકર્સને પાઠ ભણાવી દીધો હતો.