(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ભારત સરકારના યુવા વિભાગ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સેલવાસ અને એનએસએસ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ખાનવેલ ગુજરાતી મીડિયમ શાળા અને બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત આરસેટી કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશના વિવિધ ગામોમાં સ્વચ્છતા જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતાનું મહત્વને જન જન સુધી પહોંચાડવું અને ગામડામાં કચરો સંગ્રહ અને નિકાલની ઉચિત વ્યવસ્થા કરવાનો છે.
આ કાર્યક્રમ દરમ્યાન દરેકે સ્વચ્છતાની શપથ લીધી અને ક્ષેત્રમાં સફાઈ અભિયાન ચલાવ્યું જે દરમ્યાન કચરો એકત્રિત કરવામાં આવેલ તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનુ આયોજન નહેરુ યુવા કેન્દ્ર સેલવાસના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. તેમણે આ અવસરે યુવાઓને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રૂપે ભાગ લેવા અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા હતા અને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં અન્ય ગામોમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલું રહેશે. આઅવસરે ખાનવેલ શાળાના પ્રિન્સિપાલ હસમુખભાઈ પટેલ, શાળાનો સ્ટાફ સહિત એનએસએસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.