ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનું નિરાકરણ થતા વેપારી આલમને રાહત થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપીમાં બની રહેલ નવા રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી હાલમાં ચોમાસાને લઈ ઠપ્પ પડી છે ત્યારે પીડબલ્યુડી દ્વારા લગાડાયેલ બેરીકેટ હટાવવા માટે સ્થાનિક વેપારીઓએ ડીવાયએસપીને રજૂઆત કરી હતી. પોલીસે સ્થળ મુલાકાત કરીને બેરીકેટ હટાવવાની સુચના આપી હતી.
વાપી દમણને જોડતો નવો રેલવે ફલાય ઓવરબ્રીજ તથા ઝંડાચોક સુધીનો રેલવે અંડરપાસ ઘણા સમયથી નિર્માણાધિન છે. ચોમાસાને લઈ કામકાજ ઠપ્પ થઈ ગયેલ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લગાડવામાં આવેલ બેરીકેટ અને સરસામાન યથાવત પડી રહેલો હોવાથી સ્થાનિક વેપારીઓ માટે સમસ્યા બની રહ્યો હતો. ટ્રાફિક અને ગંદકી થઈ રહી હતી તેથી ડીવાયએસપી બી.એન. દવેને વેપારીઓએ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પોલીસે સ્થળ મુલાકાત લઈ સમસ્યાનો રસ્તો કાઢવા પી.ડબલ્યુ.ડી. અનેકોન્ટ્રાક્ટરને જરૂરી સુચના આપી હતી. સમસ્યાનું નિરાકરણ કરવા પી.આઈ. કે.જે. રાઠોડ, પાલિકા ઈજનેર સહિત કોન્ટ્રાક્ટર વિગેરે હાજર રહ્યા હતા તેથી બેરીકેટ અને સામાન હટાવવા પોલીસે સુચના આપી હતી. ગંદકી અને ટ્રાફિકની સમસ્યાથી વેપારીઓને રાહત મળશે.