શાળાના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલીનું આયોજન કરી ડેન્ગ્યુના અટકાયતી પગલાં માટેનો લોકોને આપેલો સંદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : વરસાદની ઋતુમાં વધતી ડેન્ગ્યુની બીમારીને અટકાવવા માટે આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ રોધી અંતર્ગત ‘ફ્રાઈડે ડ્રાય ડે’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના માધ્યમથી પ્રદેશના દરેક ગામોમાં મચ્છરોના પ્રજનન સ્થળોને નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય છેઘરની આજુબાજુની જગ્યાઓમાં જમા થયેલ સાફ પાણીને હટાવી અને ઘરની અંદરના પાણીને બદલવું જેના કારણે ડેન્ગ્યુ મચ્છરના લાર્વા નષ્ટ થાય અને આ બીમારીને ફેલાતા રોકી શકાય.
પ્રદેશમાં લોકોની સહાયતાથી આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં, સોસાયટી, ચાલો, સ્કૂલ, ઔદ્યોગિક એકમો, બિલ્ડિંગના નિર્માણ સ્થળો, આરોગ્ય સંસ્થાનોમાં જમા થયેલ પાણીને હટાવવામાં આવ્યું હતું. જેનાથી મચ્છરોના પ્રજનન સ્થળોને નષ્ટ કરાયા હતા. આ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી ડેન્ગ્યુને અટકાવવા માટેનો સંદેશ પણ આપ્યો હતો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ ચાલીઓમાં અને સોસાયટીઓમાં રહેતા લોકોને ખતરનાક ડેન્ગ્યુને અટકાવવાના ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનમાં આરોગ્ય કર્મચારીઓ, નગર પાલિકા, જિલ્લા પંચાયતના લોકો, ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓએ ભાગ લીધો હતો.