(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29: વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુ પટેલના સૌજન્યથી ‘આશા મહિલા ફાઉન્ડેશન’ દ્વારા ‘આત્મ નિર્ભર’ પહેલ હેઠળ દમણ જિલ્લાની મહિલાઓને સ્વરોજગાર માટે સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વસહાય જૂથની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ‘આશા વુમન ફાઉન્ડેશન’ દ્વારા સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશા મહિલા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને કાર્યક્રમના સંયોજક શ્રીમતી તરૂણાબેન પટેલ, દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબને પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ભરત પટેલે દુણેઠાના 10 મંડળોને સિલાઈ મશીનનું વિતરણ કર્યું હતું, જેનો લાભ 250 મહિલાઓનેમળશે. આ પ્રસંગે સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.
આ પ્રસંગે ‘આશા મહિલા ફાઉન્ડેશન’ના અધ્યક્ષ શ્રીમતી તરુણાબેન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ ચાર દિવાલોમાંથી બહાર આવીને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બને, એટલે જ પ્રધાનમંત્રીશ્રી મોદીએ મહિલાઓને રાજકીય ક્ષેત્રે 50 ટકા અનામત આપી છે. જેથી કરીને મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને પુરૂષોની સાથે ખભેખભા મિલાવીને કામ કરી શકે.