વિશાલ પાસે ઘરની તમામ લાઈટો બંધ કરાવી કબાટ ખોલાવી તેમાંનું લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા અને ૧૬ તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્તે રફૂચક્કર થઈ ગયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેલવાસના ભુરકુડ ફળીયામાં એક વ્યક્તિ કુરિયર બોય બનીને આવેલ જેણે ઘરમાં બેઠેલા યુવાનને હથિયાર બતાવી ધમકી આપી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને ટેરેસના રસ્તે ફરાર થઈ ગયો હોવાની ઘટના બનતાં પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશાલ કુલકર્ણી એમના પરિવાર સાથે ભુરકુડ ફળીયા ખાતે રો-હાઉસમાં રહે છે. જેઓ એક દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેથી તેઓ ઘરે જ હતા અને એમના પરિવારના સભ્યો બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્રમાં ગયા હતા. બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક વ્યક્તિ વિશાલના ઘરે આવ્યો અને એણે કહ્યું કે કુરિયર બોય છું અને આપનું પાર્સલ આપવા આવ્યો છું. વિશાલે દરવાજો ખોલી પાર્સલ રિસીવ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી ફરી ઘરમાં જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા યુવાને ઘરમાં ઘુસી દરવાજો બંધ કરી દીધો હતો અને હથિયાર બતાવ્યું હતું હતું અને ઘરની તમામ લાઈટો બંધ કરાવી દીધી હતી અને વિશાલ પાસે કબાટ ખોલાવી તેમાંરાખવામાં આવેલ લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા હતા તે અને 16 તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્તે ફરાર રફૂચક્કર થઈ ગયો હતો. આ બધી ઘટનાથી વિશાલ ખુબ જ ગભરાઈ ગયો હતો.
લુંટ કરનાર અજાણ્યા વ્યક્તિએ ચોકલેટ કલરની ટી-શર્ટ અને કાળી જીન્સ પેન્ટ પહેરેલી હતી અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના અંગેની તમામ જાણકારી મેળવી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.