હરિફાઈના સમયમાં વાહન માલિકોને પોષણક્ષમ ભાવ મળે તેમજ ગ્રાહકોને પણ અન્યાય ન થાય તેની તકેદારી રાખવી જરૂરીઃ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: અજરાઇ ઢીમ્મર સમાજની વાડીમાં ટુરિસ્ટ વ્હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્ય સભા અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના ચેરમેન મેધજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાતા પ્રાર્થનાથી શરૂઆત બાદ અવસાન પામ્યા હોય તેવા સભ્યો તથા તેમના પરિજનોની આત્મની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
સભામાં ઉપસ્થિતોને સંબોધતા નવસારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારે મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, એસોસિએશનની રચનાના ટૂંકા ગાળામાં બધા સભ્યોના સહકારથી ખૂબ સારી કામગીરી થઈ રહી છે. અને સંગઠનના કારણે ઘણા પ્રશ્નોના નિરાકરણમાં આપણને સફળતા પણ મળી છે. તેવા સંગઠન વધુ ને વધુ મજબૂત થાય અને હાલના હરિફાઈનાસમયમાં ભાવો નક્કી કરવામાં વાહન માલિકોને પોષણક્ષમ ભાવો મળે તેની સાથે ગ્રાહકોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવી પણ જરૂરી છે. અખિલ ગુજરાતના પ્રમુખ મેઘજીભાઈ પટેલે ધંધાના તેમના બહોળો અનુભવ દ્વારા સભ્યોને જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું.
સભામાં સંસ્થાના સભ્ય ધીરેશ પરમાર દ્વારા તમિલનાડુ બોર્ડર ઉપર ઓનલાઇન ઓલ ઇન્ડિયા ગાડી હોવા છતા રૂ.15,362/- નો સાત દિવસનો ટેક્સ અને રૂ.3,000/- એન્ટ્રી લેવાતી હોવાની લેખિત રજૂઆત કરતા અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ મોદીએ જણાવ્યું હતું કે તમિલનાડુ, કેરાલા, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ એમ ચાર રાજ્યો દ્વારા ઓલ ઈન્ડિયા ટેક્ષનો બહિષ્કાર કરેલ છે. અને સ્વીકારેલ નથી. જેમાં દિલ્હીના ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા દેશની વડી અદાલતમાં કેસ દાખલ કરેલ છે. જેમાં જજમેન્ટ આવેલ નથી.
સભામાં વાર્ષિક હિસાબ મંત્રી ચેતનભાઈ લાડે રજૂ કર્યા હતો. અને સંચાલન ખજાનચી બીપીનભાઈ પટેલે કર્યું હતું. સભામાં ભાવિન પ્રજાપતિ, પ્રશાંત લાડ, શકીલ આફ્રિકાવાલા, નિલેશભાઈ, રવિ પરમાર, જસ્મિન પંડ્યા, ભાવિન રાવલ, અશોકસિંહ પરમાર સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.