મોટી દમણના શિક્ષણ સદનમાં સ્થિત ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર”નું આગામી 5મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઓનલાઈન માધ્યમથી થનારૂં ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ અને દીવના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર”નું ઉદ્ઘાટન આગામી તા.05/10/2024ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન(વર્ચ્યુલી) માધ્યમથી થવા જઈ રહ્યું છે. જેની કડીમાં આજે મંગળવારના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મોટી દમણ સ્થિત શિક્ષણ સદન ખાતે ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર” અને ‘‘વિઝ્યુઅલ રેર્કોડિંગ સ્ટુડિયો”ની મુલાકાત લીધી અને માહિતી શેર કરી. દરમિયાન પ્રશાસકશ્રીએ ત્યાં હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે યાદ રહે કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર (વી.એસ.કે.)નો ઉદ્દેશ્ય શીખવાના પરિણામોને વેગ આપવા માટે ડેટા અને ટેક્નોલોજીનો લાભ લેવાનો છે. જેમાં તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના ડેટાને આવરી લેશે અને શિક્ષણ પ્રણાલીનું એકંદર મોનિટરિંગ વધારવા અને શીખવાનાપરિણામોમાં સુધારો કરવા માટે મોટા ડેટા એનાલિટિક્સ, કળત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું અર્થપૂર્ણ વિશ્લેષણ કરશે.
તમામ પ્રાદેશિક સ્તરના તમામ કર્મચારીઓ/અધિકારીઓ વચ્ચે જવાબદારી વધારવી અને શાળા શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ ઘટકો/પ્રવૃતિઓની વાસ્તવિક સમયની સ્થિતિનું નિરીક્ષણ કરવું.