ગ્રામ પંચાયતોને ટીબી ફ્રી પંચાયતનું સર્ટિફિકેટ અને મહાત્મા ગાંધીજીની
કાંસ્ય પ્રતિમા અર્પણ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: કેન્દ્ર અને રાજ્ય સરકારના ટીબી હારેગા, દેશ જીતેગા 2024 અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની 101 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે આ 101 ગ્રામ પંચાયતને ટીબી ફ્રી પંચાયતનું સર્ટિફિકેટ અને મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ચાલુ વર્ષના 100% ટીબી દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત ઓછામાં ઓછો પ્રથમ હપ્તો મળતા તેમજ વર્ષના 100% ટીબીના દર્દીઓનેપ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન સપોર્ટ હેઠળ આવરી લીધા હોવા બાબતે નિર્દેશિત તમામ સૂચકાંક મુજબ ગત વર્ષે -2023 માં વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ -વ- કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 6 તાલુકા મળી (વલસાડ- 24, ધરમપુર- 24, કપરાડા- 16, પારડી- 12, વાપી- 01 અને ભીલાડ- 24) કુલ – 101 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હતી. જે અન્વયે તા.02/10/2024ના રોજ યોજાનાર ગ્રામસભામાં સેન્ટ્રલ ટીબી ડિવિઝનની ગાઇડ લાઇન મુજબ 101 ટીબી મુક્ત પંચાયતને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ અને મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા એનાયત કરવામાં આવી તેમજ ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત પંચાયત ઇનીશીયેટીવના ઇન્ડીકેટર બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાનનું આહવાન કરાતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ટીબી વિભાગ દ્વારા આ વર્ષે પણ વધુમાં વધુ પંચાયતો ટીબી મુક્ત થાય તે દિશામાં કમર કસાઇ રહી છે.