કોઈપણ સતામણી કે શંકા હોય તો તરત જ 181 મહિલા હેલ્પ લાઈન કે
100 નંબરનો સંપર્ક કરવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: નવરાત્રી પર્વમાં વલસાડ અભયમ, 181 મહિલા હેલ્પ લાઈન ટીમ મહિલાઓની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે. મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ગરબા સ્થળે આવતી હોવાથી તેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના નહીં બને અને સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે પોલીસ સાથે અભયમ 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ફરજ બજાવશે.
ગુજરાત સરકારની અભિનવ હેલ્પલાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓમાં વધુ ને વધુ વિશ્વસનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે. અભયમ ટીમની 24×7 સેવાઓ કાયમી હોય છે, જેઓ પીડિત મહિલાઓને સમયસર મદદ, માર્ગદર્શન અને બચાવની અગત્યની કામગીરી ફરજના ભાગ રૂપે બજાવે છે. વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સ્થળે આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરશે જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે.
ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે કે, ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિસાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિની અવરજવર હોય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી. અભયમ સેવાઓ ઝડપથી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલીના સમયે ઝડપથી મહિલા-યુવતીઓ સુધી સેવાઓ પહોંચાડી શક્શે. કોઈપણ સતામણી કે શંકા હોય તો તરત જ 181 મહિલા હેલ્પ લાઈન કે 100 નંબરનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.