મે 2025 સુધીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળની નવી કચેરી
રૂ.99.70 લાખના ખર્ચે તૈયાર થશે
10 પીએચસી, 3 અર્બન હેલ્થ સેન્ટરો પર તાલુકા હેલ્થ કચેરી દ્વારા મોનીટરીંગ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડના તીથલ રોડ પર સરકારી વસાહતની પાસે બી.આર.સી. ભવનની બાજુમાં આવેલી જગ્યા પર વલસાડ તાલુકા હેલ્થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે નવા બનનારા મકાનની શુભેચ્છા આપી જણાવ્યું કે, નવી હેલ્થ ઓફિસથી વલસાડ તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરીને વધુ વેગ મળશે અને વહીવટ પણ ઝડપી થશે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કોરોનાકાળ જેવી ગંભીર પરિસ્થિતીમાં આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવી જણાવ્યું કે, વલસાડ તાલુકા હેલ્થ કચેરીના નવા મકાનનું ખાતમુહૂર્ત થતા વર્ષોથી તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફને બેસવાની તથા કામ કરવાની જે તકલીફો પડતી હતી તેનો અંત આવશે. નવી બનનારી કચેરી અંગે માહિતી આપતા વલસાડ તાલુકાહેલ્થ ઓફિસર ડો.કમલ ચૌધરીએ જણાવ્યું કે, રૂ.99.70 લાખના ખર્ચે તૈયાર થનાર નવી તાલુકા હેલ્થ કચેરી મે 2025 સુધીમાં તૈયાર થશે તેવો અંદાજ છે. આ કચેરી ગ્રાઉન્ડ ફલોર અને એક માળની હશે. જેમાં 11 જેટલો સ્ટાફ કામગીરી બજાવશે. વલસાડ તાલુકાના 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા 326 આશા વર્કર, 144 એમપીએચડબલ્યુ- એફએચડબલ્યુ, 68 સીએચઓ અને 21 મેડિકલ ઓફિસરોનું મોનીટરીંગ આ કચેરી દ્વારા કરાશે.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતીના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ અને સંજયભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિરેન પટેલ, જિલ્લા વહીવટી અધિકારી નલિનીબેન પટેલ, પી.આઈ.યુ. ઓફીસથી મિલનભાઈ તેમજ વલસાડ જિલ્લા અને તાલુકાના આરોગ્ય ઓફિસનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. વલસાડ તાલુકા હેલ્થ ઓફીસર ડો.કમલ ચૌધરીએ આભારવિધિ કરી હતી.