(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત રાધાબાઈ વાંચનાલય આર્થિક રીતે નબળા તેમજ જેમની પાસે અભ્યાસ કરવા માટે સુવિધા પ્રાપ્ત બેઠક વ્યવસ્થા ન હોય એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેનશ્રી રાકેશભાઈ રાયના માર્ગદર્શન હેઠળ અને સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આ પુસ્તકાલયનો ઘણા વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વાતાવરણ બની રહે તેમજ એમને જરૂરિયાત મુજબ પુસ્તકોની નવી આવૃત્તિ ઉપલબ્ધ થઈ રહે એનું સમય સમયે ધ્યાન પણ આપવામાં આવી રહ્યુંછે.
ગતરોજ સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી અને નિમણૂકો માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી ઘણા નવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કારકુનની નોકરી સહિતની પરીક્ષાઓ માટેના પુસ્તકો સરીગામની લાઇબ્રેરીને યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગતરોજ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવનાર તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી શકે એવા માર્ગદર્શકશ્રી રાહુલભાઈ દિવાન, અને શ્રી જીનરભાઈ પટેલ ઉપસ્થિત રહી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સરીગામના સરપંચશ્રી સહદેવભાઈ વઘાત, એસઆઈએના પૂર્વ પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ, યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અગ્રણીશ્રી રાકેશભાઈ રાય, ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી દેવરાજભાઈ ભટ્ટ, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી અજયભાઈ મોર્યા, કરણી સેનાના પ્રમુખશ્રી મોન્ટુભાઈ ભટ્ટ, કલગામ ઉપસરપંચ તથા ટ્રસ્ટના સેક્રેટરીશ્રી રસીકભાઈ પટેલ, સરીગામ અગ્રણીઓ શ્રી વિનોદભાઈ ઠાકુર, શ્રી વિપુલભાઈ રાય, શ્રી યાદવેન્દ્રભાઈ મિશ્રા સહિતના અગ્રણીઓનીહાજરી જોવા મળી હતી.
