(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સેલવાસના નક્ષત્ર વન નજીકથી ઉલ્ટન ફળિયા તરફ જતા રસ્તાની વચ્ચે આવેલ શહેરની મુખ્ય ગટર પર વીસ ફુટ જેટલો લાંબો પુલ બનાવવામાં આવેલ છે. આ પુલની બાજુમાં જ એક બિલ્ડર દ્વારા ગટરનુંપાણી અવરોધાય એ રીતે માટી નાંખી પુરી દીધેલ છે અને સાથે પ્રોટેક્શન વોલ બનાવી દેવાતા ગટર અગાઉ પંદર ફૂટની હતી જે હાલમાં ફક્ત ત્રણ ફૂટની જ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસમાં નક્ષત્ર વન નજીકથી ઉલ્ટન ફળિયા તરફ જતા રસ્તાની વચ્ચે આવેલ શહેરની મુખ્ય ગટર પર મંગલમ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા 14 માળની બિલ્ડિંગ બનાવવા માટે પાયો નાખી દેવામાં આવ્યો છે સાથે એમણે ગટરની બાજુમાં જ પ્રોટેક્શન વોલ પણ બનાવી દીધી છે. જેના કારણે પંદર ફૂટથી વધુ ઊંચી ગટર હવે ફક્ત ત્રણ ફૂટની જ બની ગઈ છે. ટોકરખાડાથી લઈ સેલવાસ-નરોલી રોડની સોસાયટીઓનું પાણી તેમજ ચોમાસા દરમ્યાન વરસાદી પાણી આ ગટર દ્વારા જ પસાર થઈ દમણગંગા નદીમાં જાય છે. ભારે વરસાદના સમયે આ ગટરના પાણી પુલ પરથી પસાર થાય છે અને રસ્તો પણ બંધ થઈ જાય છે. તેથી જો બિલ્ડરે તાણી બાંધેલી પ્રોટેક્શન વોલ હટાવવામાં નહીં આવે તો આવતા સમયમાં વરસાદની સિઝનમાં સેલવાસ-નરોલી રોડ સ્થિત સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા ફરી ઉદ્ભવવવાની સંભાવના છે. ભવિષ્યમાં લોકો માટે ઉભી થનાર સમસ્યા અંગે સેલવાસ નગરપાલિકા અને જિ.પં.ના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે એ જરૂરી બની ગયું છે. તેથી જો આ ગટર પરનીપ્રોટેક્શન વોલ અને માટી દ્વારા પુરાણ કરવામાં આવેલ દબાણને હટાવવામા નહીં આવે તો ચોમાસા દરમ્યાન ભારે સમસ્યાઓ ઉદ્ભવશે.
સેલવાસ નરગપાલિકા તેમજ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દ્વારા શહેરની મુખ્ય ગટરની તદ્દન પાસે જ પ્રોટેક્શન વોલ બનાવવાની પરમિશન કેવી રીતે આપવામાં આવી? શું આ બિલ્ડર માટે નીતિ-નિયમો નેવે મુકવામાં આવ્યા છે? શું નગરપાલિકાના ઈજનેર દ્વારા આ જગ્યાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે કે નહીં, કે પછી બિલ્ડર દ્વારા પોતાની મનમાનીથી જ ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે? આ તમામ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જે તપાસનો વિષય છે.