નરોલીના બ્રાહ્મણ ફળિયામાં અગાઉ પણ ચેન સ્નેચિંગ અને દુકાનમાં ઘુસી બેભાન કરી સોનાની ચેન અને વીટી ચોરીની ઘનેલી ઘટનાઓઃ પોલીસ દ્વારા ગામમાં પેટ્રોલિંગ વધારવામાં આવી ગામલોકોની માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના નરોલી ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા ભાવસાર પરિવારના ઘરમાં ગઈકાલ તા.7મી ઓક્ટોબરના સોમવારે બે અજાણ્યા વ્યક્તિ જબરજસ્તી ઘુસી જઈ ‘‘અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ” એમ જણાવી બંદુકની અણીએ ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે માંગીલાલ મુલચંદ ભાવસાર રહેવાસી બ્રાહ્મણ ફળિયા, નરોલી. જેઓ કોઈક કામસર બહાર ગયા હતા. સાંજના પાંચ વાગ્યાના સુમારે એમની પત્ની અને દીકરી ઘરે હતા તે સમયે અજાણ્યા બે યુવાનો આવ્યા હતા અને ઘરમાં જબરજસ્તી ઘુસી ગયા હતા અને એમણે જણાવેલ કે ‘‘અમે ક્રાઇમબ્રાન્ચ પોલીસ”માંથી આવ્યા છે. ત્યારબાદ બંદુક બતાવી તમારી પાસે જે કંઈપણ હોય તે અમને આપી દો, એમ કહી માંગીલાલની પુત્રીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા અને ઘરમાં એક આઈફોન અને વિવો કંપનીનો મોબાઈલ હતો તેને ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને કારણે માંગીલાલની પત્ની અને એમની દીકરી ખુબ જ હેબતાઈ ગયા હતા.
ઘટનાની જાણી આજુબાજુના લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક માંગીલાલ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બે વ્યક્તિ થોડે દૂર ચોરીની ઘટનાને અંજામ આપવા માટે પ્લાન ઘડી રહ્યા હતા, તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. હાલમાં તો માંગીલાલની ફરિયાદના આધારે અને સીસીટીવી ફુટેજના આધારે નરોલી પોલીસ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આજ બ્રાહ્મણ ફળિયામાં ચેન સ્નેચિંગ અને દુકાનમાં ઘુસી બેભાન કરી સોનાની ચેન અને વીટી ચોરીની ઘટનાઓ બની હતી અને હવે ફરી ધોળા દિવસે આ રીતે પોલીસના નામે ધમકી આપી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે છે જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગામમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે એવી માંગ બુલંદ બની છે.