(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : આજે સાંજે દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે નવરાત્રીના આયોજકોમાં અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સામાન્ય વરસાદમાં જે ખાડા પડી ગયેલ રસ્તાઓને રીપેર કરવામાં આવેલ તે ફરી ધોવાઈ ગયા છે જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આજે સેલવાસમાં 20.0એમએમ અને ખાનવેલમાં 28.7 એમએમ/ 1.13ઇંચ વરસાદ વરસ્યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 3320.4એમએમ/ 130.72ઇંચ અને ખાનવેલમાં 3208.7એમએમ 126.33ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 79.50મીટરે છે. ડેમમાં પાણીની આવક 5424ક્યુસેક અને પાણીની જાવક 5424 ક્યુસેક હોવાનું ડેમ સત્તાવાળાઓ દ્વારા જણાવાયું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
