દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જુસ્સાભેર કરાયેલું સ્વાગત
પંચાયતના વિવિધ ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’એ ભ્રમણ કરી ફેલાવેલી જાગૃતિઃ ગામલોકો મોદીની કલ્યાણકારી યોજનાથી માહિતગાર પણ થયા
સંઘપ્રદેશના સંયુક્ત પંચાયતી રાજ સચિવ અને જિ.પં.ના સી.ઈ.ઓ. આશિષ મોહન, જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ, જિ.પં. સભ્ય ફાલ્ગુનીબેન પટેલ, બી.ડી.ઓ. રાહુલ ભીમરાની રહેલી ઉપસ્થિતિઃ ગ્રામજનોની વિશાળ હાજરીથી ઉત્સાહિત બનેલું વાતાવરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે આગમન થયું હતું. દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ‘વિકસિત ભારત’ના શપથ લીધા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના સંયુક્ત પંચાયતી રાજ સચિવ અને દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણ જિ.પં.ના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણના બી.ડી.ઓ.શ્રી રાહુલ ભીમરા સહિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જિ.પં. સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ વગેરેએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની વાનનું જોશભેર સ્વાગત કર્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદીની ગેરંટીવાળી ગાડી આપણી પંચાયતમાં આવી છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કહે છે તે કરે છે. તેમની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી. શ્રી મુકેશ ગોસાવીએ દમણ-દીવ સહિત દાદરા નગર હવેલીના છેલ્લા 10 વર્ષમાં થયેલા ઐતિહાસિક વિકાસનો ઉલ્લેખ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં પ્રદેશના વિવિધ સમાજના આગેવાનો, બુદ્ધિજીવીઓ, ટેક્નોક્રેટ તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી તેઓ કેવું બનાવવા ઈચ્છે છે તેની બતાવેલી રૂપરેખાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેમણે જે બતાવ્યું હતું તેના કરતા પણ વિશેષ ચડિયાતુ અને ભવ્ય દમણ-દીવ તથા દાદરા નગર હવેલીનું નિર્માણ કર્યું છે. જેની પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્ટિ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણેભારતને 2047 સુધી વિકસિત ભારત બનાવવા તમામને તનતોડ પ્રયાસ કરવા પણ આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. દમણવાડા ગ્રામ પંચાયતને ઓડીએફ પ્લસ અને હર ઘર જળની યોજનાને પૂર્ણ કરવા બદલ આપવામાં આવેલા પ્રમાણપત્રનું સરપંચશ્રીના નેતૃત્વમાં ડેપ્યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ, જિ.પં. સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુએ સન્માન પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો.
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારની કન્યા ટોપર વિદ્યાર્થીની કુ. મિષ્ટીકુમારી રાજેશભાઈ બારિયાને પણ પુરસ્કૃત કરવામાં આવી હતી. નિબંધ તથા ચિત્રકળાના વિજેતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત વિસ્તારના શ્રેષ્ઠ આંગણવાડી કર્મી શ્રીમતી મધુબેન બારી, સ્વયં સહાયતા સમુહની કાર્યકર્તા શ્રીમતી કલ્પનાબેન હળપતિ તથા આશા વર્કર શ્રીમતી મીનાક્ષીબેન પટેલને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેર કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં લાભાર્થીઓને લાભ અનેજાણકારી આપવામાં આવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ઢોલર ચાર રસ્તા, નવા જમ્પોર, ભાઠૈયા, ભામટી નવી નગરી, બારિયાવાડ વગેરે સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. જેમાં સરપંચ, ઉપ સરપંચ, ગ્રા.પં. સભ્ય શ્રી વિષ્ણુ બાબુ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દમણવાડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી પણ માહિતગાર બન્યા હતા.