સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્યવસ્થા કરવાની હંમેશા રહેલી નીતિઃ લાલુભાઈ પટેલ
હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી મળનારો છૂટકારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.13 : દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની સેટલમેન્ટ, રેશિડેન્સિયલ અથવા ગાંવઠાણની જગ્યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્લાન પાસ કરવામાંથી જિલ્લા પ્રશાસને કરેલા મુક્તિના આદેશની દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સરાહના કરી પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.
દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ હંમેશા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્યવસ્થા કરતા આવ્યા છે. જેમાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્યામાં પોતાનું ઘર બનાવવા ઈચ્છતા લોકોને ખુબ જ અનુラકૂળતા પડશે એવી લાગણી પણ પ્રગટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલાં સંઘપ્રદેશ પ્રશાસને દમણની જમીનોના કરેલા ઝોનિંગમાં રેસિડેન્શિયલ તથા સેટલમેન્ટ ઝોનને પ્રદેશના વિકાસને નજર સમક્ષ રાખી ખુબ જ અગ્રતા આપવામાં આવી છે. તેથી હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી છૂટકારો મળશે એવી પણ આશા પ્રગટ કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લાકલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ લીધેલા નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આભાર પણ પ્રગટ કર્યો છે.