પ્રભુ અત્યંત પ્રેમથી મારું શરીર ચલાવે આ પાઠ ઘૂંટવા માટે ત્રિકાળ સંધ્યા છેઃ
પૂજનીય દીદીજી
દક્ષિણ ગુજરાતમાં જ ૪૦,૦૦૦ થી પણ વધુ સ્વાધ્યાય ભાઈ-બહેનો મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરીમાં નિકળ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વિશ્વના લાખો સ્વાધ્યાયીઓ ઓક્ટોબર મહિનો આવે ત્યારે સવિશેષ ભાવની લાગણી અનુભવતા હોય છે કારણ ૧૯ ઓક્ટોબર એટલે લાખો લોકોને જીવન દૃષ્ટિ આપનાર યુગપુરુષ પરમ પૂજનીય દાદાજી (પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી)નો જન્મદિવસ, સમગ્ર સ્વાધ્યાય પરિવાર ૧૯-ઓક્ટોબર ‘‘મનુષ્ય ગૌરવ દિન’’ તરીકે ઉજવે છે.
પૂ. દાદાજીએ ત્રિકાળ સંધ્યા દ્વારા સમજાવ્યું કે, ભગવાન કેવળ આકાશમાં નથી કે મંદિરમાં નથી, એ મારી અંદર આવીને બેઠો છે, એટલું જ નહિ તે ભગવાન જ મારું જીવન ચલાવે છે. તેથી સમગ્ર ‘‘સ્વાધ્યાય પરિવાર’’ ભગવાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દાદાજીએ સમજાવેલ ત્રિકાળ સંધ્યા દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી દૈવી સંબંધ લઈને જાય છે.
પ્રભુ અત્યંત પ્રેમથી મારું શરીર ચલાવે આ પાઠ ઘૂંટવા માટે ત્રિકાળ સંધ્યા છેઃ પૂજનીય દીદીજી
આ પાઠ પાકો થતાં જ ‘‘મારામાં રામ મારું ગૌરવ, તારામાં રામ તારું ગૌરવ અને સૌમાં રામ સૌનું ગૌરવનો વિચાર સમાજમાં પ્રસ્થાપિત થાય છે. આજના સાંપ્રત કાળમાં જ્યારે મનુષ્યની ઓળખ મનુષ્ય તરીકે નહિ પરંતુ તેની પાસે રહેલ પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા થકી જ થાય છે ત્યારે, પરમ પૂજનીય દાદાજીએ આપેલી વિશિષ્ટ સમજણ કે જા મારામાં ભગવાન વસતો હોય તો હું દિન, હીન કે લાચાર કેવી રીતે રહી શકું? આ વિચારથી માનવ આત્મગૌરવ અને પર સમ્માનની લાગણી અનુભવે છે.
લાખો સ્વાધ્યાયીઓ પરમ પૂજનીય દાદાજીને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરવા મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરી દ્વારા દાયકાઓથી નિયમિત રીતે પોતાના ઘરનો ઉંબરો ઓળંગી, પોતાનું ટાઈમ, ટિકિટ અને ટિફિન લઇ ગામે-ગામ માનવ-માનવને મળવા જાય છે અને પ્રભુનું સામીપ્ય, સાનિધ્ય, સંબંધ અને સામર્થ્ય બુદ્ધિમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે.
વૈશ્વિક સ્વાધ્યાય કાર્યની ધુરા સાંભળનાર પરમ પૂજનીય દીદીજી (જયશ્રી તલવલકર)ના માર્ગદર્શન હેઠળ ૩૭ દેશોના લાખો સ્વાધ્યાયી કૃતિશીલોઆ વર્ષે પણ તા.૧૩ થી ૧૯ ઓક્ટોબર દરમ્યાન નિસ્વાર્થ ભાવે ભક્તિફેરીમાં નીકળ્યા છે. ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ ૪૦,૦૦૦ થી પણ વધુ સ્વાધ્યાય ભાઈ-બહેનો મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરીમાં કોઈ પણ અપેક્ષા વિના માત્ર પ્રભુ કાર્યાર્થે નિકળી લગભગ ૫૦ લાખથી વધુ ભાઈ-બહેનો પાસે માનવ-માનવ વચ્ચેનો દૈવી સંબંધ લઈને જશે અને પારિવારિક રીતે મળશે.