શહેરમાં દિવાળી ટાણે ઘરાકીનો ગેરફાયદો ઉઠાવી મહિલાઓએ કરેલી ચોરી સીસીટીવીમાં કેદ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ચોરી માટે ચોરટા અવનવી અજીબો ગરીબ તરકીબ નુસખા અજમાવતા રહે છે. કંઈક તેવી જ ચોરીની ઘટના વાપી શહેર મેઈન બજારમાં આવેલ મોહિની જ્વેલર્સમાં બની છે. સાંજના સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે બુરખાધારી મહિલાઓ દુકાનમાં જુદા જુદા દાગીના જોવાનું નાટક કરીને રૂા.1.30 લાખની સોનાની ચેન એક મહિલા મોઢામાં નાખી ચેન તફડાવી ફરાર થઈ ગઈ હતી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વાપી મેઈન બજારમાં મોહિની જ્વેલર્સ નામની દુકાન જીએસટી ભવન પાસે રહેતા દિનેશભાઈ જૈન ધરાવે છે. ગતરોજ બપોરે દિનેશભાઈ દુકાનથી કામ હેતુ બહાર ગયા હતા ત્યારે તેમનો પૂત્ર મોનીસ અને સ્ટાફ હાજર હતો. સાંજના ચાર વાગ્યાના સુમારે બે બુરખાધારી મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. જુદા જુદા દાગીના જોવાનું ચાલું કર્યું હતું તે દરમિયાન એક મહિલાએ રૂા.1.30 લાખની સોનાની ચેઈન મોઢામાં નાખી ચાલાકીથી ચેઈન તફવાડી બે મહિલાઓ ચાલી ગઈ હતી. સાંજેસ્ટોક લેવાયો ત્યારે ચેઈનની ચોરી થયાનું ખુલ્યુ હતું. સીસીટીવી ફુટેજ ચકાસતા આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બનાવ અંગે દુકાન સંચાલક દિનેશભાઈ જૈનએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.