પ્રયાસ જુવેનાઈલ એઈડ સેન્ટર સોસાયટી(પ્રયાસ જેએસી સોસાયટી) અને જીએનએલયુ કેમ્પસ-સેલવાસના સંયુક્ત ઉપક્રમે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બાળ સુરક્ષા માટે ‘બાળ સંરક્ષણ એક સામૂહિક જવાબદારી’ વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ
જીએનએલયુ ગાંધીનગર સાથેના સહયોગથી જીએનએલયુ સેલવાસ કેમ્પસ મળીને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ બાળ સંરક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવા ‘પ્રયાસ જેએસી સોસાયટી’ના માર્ગદર્શક આમોદ કંથે દર્શાવેલી આતુરતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : આજે પ્રયાસ જુવેનાઈલ એઇડ સેન્ટર સોસાયટી(પ્રયાસ જેએસી સોસાયટી) અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) કેમ્પસ-સેલવાસના સંયુક્ત ઉપક્રમે જીએનએલયુ કેમ્પસ સેલવાસ ખાતે ‘બાળ સંરક્ષણ એક સામૂહિક જવાબદારી’ શીર્ષક હેઠળ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રયાસ જેએસી સોસાયટીના સ્થાપક અને માર્ગદર્શક શ્રી અમોદ કંથ, સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી અમિત કુમાર સહિત અન્ય મહાનુભાવોની કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.
આપ્રસંગે પ્રયાસ જેએસી સોસાયટીના માર્ગદર્શક શ્રી આમોદ કંથે વક્રોક્તિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, એક તરફ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ દેશમાં સાડા ત્રણથી વધુ બાળકોને સંભાળ અને સંરક્ષણની જરૂર છે. (Children in Need of Care and Protection – CNCP). આ એ બાળકો છે જે મોટાભાગે રસ્તા પર રહે છે, શાળાએ જતા નથી અને બાળ મજૂરીમાં જોતરાય છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. પ્રયાસ જેએસી સોસાયટી આ બાળકોના અસ્તિત્વ, સંરક્ષણ, વિકાસ અને સહભાગિતાને સમર્થન આપવા માટે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિયપણે કામ કરી રહ્યું છે. પ્રયાસ જેએસી સોસાયટી હવે તેની કામગીરી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ સુધી વિસ્તારી રહ્યું છે. અહીંયા અમે મુખ્યત્વે બાળ લગ્ન અને બાળ તસ્કરી, બાળ જાતીય શોષણ અને બાળ મજૂરીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ધારીએ છીએ.
શ્રી આમોદ કંથે જીએનએલયુ ગાંધીનગર સાથેના વર્તમાન સહયોગ પર ભાર મૂક્યો હતો અને એ જ રીતે જીએનએલયુ સેલવાસ કેમ્પસ સાથે મળીને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ બાળ સંરક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવા આતુરતા વ્યક્ત કરી હતી. શ્રી આમોદ કંથે બાળકોને મજૂરી, જાતીયશોષણ અને માનવ તસ્કરીથી બચાવવા માટે ઘડાયેલ વિવિધ ભારતીય કાયદાઓની ચર્ચા કરી હતી. તેમણે આ કાયદાઓ, નીતિઓ અને તેમના અમલીકરણ વચ્ચેના નોંધપાત્ર અંતર તરફ ધ્યાન દોર્યું હતું. આ અંતર ઘટાડવા આજની ગોળમેજી પરિષદમાં કિશોર ન્યાયના ક્ષેત્રમાં મુખ્ય હિસ્સેદારો એક મંચ પર એકત્રિત થયા છે, જેથી કાયદાના અમલીકરણમાં સુધારો કરવા, સંસ્થાકીય મિકેનિઝમને મજબૂત કરવા અને સામુદાયિક જોડાણને વધારવા માટેની વ્યૂહરચના પર વિચાર કરી શકાય.
કિશોર અપરાધો પર ટિપ્પણી કરતા, શ્રી અમોદ કંથે નોંધ્યું હતું કે ભારતમાં કિશોર અપરાધો કોઈ મોટો ચિંતાનો વિષય નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો 2022ના આંકડા મુજબ દેશમાં કુલ 65 લાખ ગુનાઓમાં કિશોર અપરાધીઓની સંખ્યા ફક્ત આશરે 34,000 છે. બીજા શબ્દોમાં, દેશની વસતીમાં બાળકો લગભગ 40% હિસ્સો ધરાવે છે પરંતુ ગુનાઓમાં તેમનો ફાળો 1% કરતા પણ ઓછો છે.
આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી અમિત કુંમારે જણાવ્યું પણ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારો છે. જો કે શિક્ષણની બહેતર પહોંચ અને સરકારી નીતિઓના બહેતર અમલીકરણને કારણે આ ક્ષેત્રોમાં પરિસ્થિતિ હવેસુધારા પર છે. તેમણે તકલીફમાં રહેલા બાળકો અને તેમના પરિવારો બંનેના પુનર્વસનના મહત્ત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે આ ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા માટે પ્રયાસની પ્રશંસા પણ કરી હતી.
જીએનએલયુ સેલવાસ કેમ્પસના ડેપ્યુટી રજિસ્ટ્રાર સુશ્રી સ્મિતા સિંઘે જીએનએલયુ ગાંધીનગર અને જુવેનાઈલ એઇડ સેન્ટર સોસાયટી(પ્રયાસ જેએસી સોસાયટી) વચ્ચે કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ‘એક્સેસ ટુ જસ્ટિસ પ્રોજેક્ટ’ હેઠળ ચાલી રહેલા સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બાળ સુરક્ષા કાયદાઓ જેમ કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, POCSO અને બાળ મજૂરી અને તસ્કરી સામેના કાયદાઓને ગુજરાતમાં લાગુ કરવાનો છે. તેમણે પ્રયાસના સહયોગમાં જીએનએલયુ આ જ પ્રકારની કામગીરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ અવસરે રાઉન્ડ ટેબલ ચર્ચામાં બાળ કલ્યાણ સમિતિ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંઘપ્રદેશ પોલીસ, વન સ્ટોપ સેન્ટર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, આશા વર્કર્સ, જિલ્લા પંચાયત, શાળાના શિક્ષકોના પ્રતિનિધિઓ, ચાઈલ્ડ હેલ્પલાઈન, રેડ ક્રોસ સોસાયટી, 108 હેલ્પલાઈન, ટેલીમાનસ હેલ્પલાઈન, જિલ્લા સબજેલ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, શ્રમ વિભાગ અને યુ.ટી. વહીવટીતંત્રનાસમાજ કલ્યાણ વિભાગ સહિત કિશોર ન્યાયમાં મુખ્ય હિસ્સેદારોની ભાગીદારી જોવા મળી હતી.
જીએનએલયુ લીગલ સર્વિસ કમિટીના ઉપક્રમે યોજાયેલ આ ચર્ચા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ માટે વિશિષ્ટ બાળ સુરક્ષા નીતિ વિકસાવવા તરફનું પ્રથમ પગલું છે.
વૃક્ષારોપણ કાર્યક્રમ
પ્રયાસ જુવેનાઈલ એઇડ સેન્ટર સોસાયટી(પ્રયાસ જેએસી સોસાયટી) અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) કેમ્પસ-સેલવાસના સંયુક્ત ઉપક્રમે જીએનએલયુ કેમ્પસ સેલવાસ ખાતે ‘બાળ સંરક્ષણ એક સામૂહિક જવાબદારી’ શીર્ષક હેઠળ રાઉન્ડ ટેબલ ચર્ચા કાર્યક્રમની સમાપ્તિ બાદ જીએનએલયુ ઇકો ક્લબના નેજા હેઠળ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ‘એક પેડ માઁ કે નામ’ પહેલ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએનએલયુના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ વૃક્ષોના છોડોનું વાવેતર કર્યુ હતું.