(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ક્વોરી ઉદ્યોગના પાયાના પ્રશ્નોનું સરકાર દ્વારા અવાર નવાર લેખિત બાહેંધરી અપાયા બાદ પણ નિરાકરણ ન લાવવામાં આવતા ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હડતાળને પગલે ચીખલી તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં બીજી ઓક્ટોબરના રોજથી ક્વોરી ઉદ્યોગ બંધ પાડી ઉત્પાદન અને વેચાણ બંધ કરી દેતા સરકારના અનેક વિકાસના કામો અને ખાનગી બાંધકામો પર બ્રેક લાગી જવા પામી છે. અને ક્વોરી ઉદ્યોગ સાથે સંલગ્ન ટ્રાન્સપોર્ટ અનેબાંધકામ સહિતના ઉદ્યોગો થકી રોજગારી મેળવતા હજ્જારો લોકોની રોજગારી સામી દિવાળીએ બંધ થતાં તહેવાર બગડવાની સ્થિતિ ઉભી થવા પામી છે.
આ દરમ્યાન ગાંધીનગરમાં ખાણ ખનીજ કમિશનર ધવલભાઈ પટેલ અને ક્વોરી એસોસિએશનની કોર કમિટીની યોજાયેલી બેઠકમાં ખાણ ખનીજ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બાહેંધરી અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ મહત્વનો એવો પર્યાવરણીય મંજુરી (ઇસી) નો પ્રશ્ન અન્ય વિભાગનો એટલે કે જીપીસીબીનો હોય તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળ યથાવત રહેવા પામી છે.
ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોની બાબતમાં સરકારના સંબંધિત વિભાગોમાં જરૂરી સંકલન, તાલમેલનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જેને પગલે નિર્ણાયક સરકારના દાવા કરતી સરકારના શાસનમાં ક્વોરી ઉદ્યોગની હડતાળના 13-દિવસ બાદ પણ કોઈ હકારાત્મક નિર્ણય આવ્યો નથી. અને હજ્જારો લોકોએ રોજગારી ગુમાવવા સાથે મુસીબત વેઠવાની નોબત આવી છે. જોકે સીએમ કાર્યાલયમાંથી પણ કોર કમિટીને તેડુ આવ્યું હોવાની માહિતી સાંપડી છે. ત્યારે સરકાર જડ વલણ છોડી હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ લાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
