(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચાલુ સીઝને ચીખલી તાલુકામાં ડાંગરનો પાકમાં ખેડૂતોને સારી એવી સફળતા મળી હતી પરંતુ લહેરાઈ રહેલા પાકને પાછોતરા વરસાદનું ગ્રહણ નડતા મોટેભાગનો ડાંગરનો પાક પડી જવા પામ્યો છે અને જેમણે કાપણી કરી નથી હતી તે પલળી ગયો છે જેને પગલે ખેડૂતોની આશા અપેક્ષા પર પાણી ફરી વળવા સાથે મહેનત અને ખર્ચ પણ માથે પડ્યો છે.
ઉપરોક્ત સંજોગોમાં સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે તે અંગેના અખબારી અહેવાલ વચ્ચે ખેતીવાડી શાખા દ્વારા છેલ્લા બે દિવસથી ચાલુ રહેલી સર્વેની કામગીરીમાં ગતિ વધારી તાલુકાના તમામ ગામોમાં ખેતીવાડી શાખાના અધિકારી અને ગ્રામ સેવકોની છ જેટલી ટીમ ઉતારી નુકસાનીનું સર્વે કરવામાં આવી રહ્યું છે.
જોકે આ સર્વે પ્રાથમિક સ્તરનું હોવાનું અને સહાય અંગે સરકાર માટે હાલે કોઈ સ્પષ્ટ સૂચના ન હોય તેવા સંજોગોમાં સર્વે બાદ ખેડૂતોને સહાય મળશે કે કેમ તે માટે હજુ પણ અવઢવભરી સ્થિતિ છે. ત્યારે સરકાર દ્વારા માત્ર સર્વે કરાવવાથી સંતોષ માનવાના સ્થાને સર્વે બાદ સહાય પણ ચૂકવવામાં આવે તે જરૂરછે.
ફડવેલના તાલુકા સભ્ય મહેશભાઈ પટેલના જણાવ્યાનુસાર અમારા ગામમાં આજે ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકની ટીમ આવી હતી. અને ખેડૂતોને સાથે રાખી ડાંગરના પાકમાં નુકશાનીનું સર્વે કરવામાં આવ્યું હતું.
