રતન ટાટાએ 2011માં પ્રિન્સ ચાર્લ્સનો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ તેમના કૂતરાની બીમારીને કારણે નકારી કાઢયો હતો. રતન ટાટાનો કૂતરો – ટીટો, તે સમયે નાદુરસ્ત હતો. ટાટાએ એવોર્ડ મેળવવા કરતાં તેમના પાલતુના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી હતી
ભલે, ભારતના એ રતને આપણને ‘ટાટા’ કહી ચીર વિદાય લીધી, પણ ટાટા! આપને ‘ટાટા’ કહેવાની અમારી હિંમત નથી ચાલતી! એટલે જ તો આપનો માનીતો કૂતરો ‘ગોવા’ અંતિમ ક્ષણ સુધી આપના પાર્થિવ દેહ સુધી સાથે રહ્યો! જાણે કે હમણાં મારો માલિક મને વહાલ કરશે!
‘બખ્તાવર’, નવસારી એસ્ટેટ, કોલબા મુંબઈ
આ છે વિશ્વમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું રહેઠાણ. બે એકર જમીનમાં 1923માં બનેલા આ બંગલાની આજની કિંમત એક હજાર કરોડની થાય. લીલાછમ બગીચાની હરિયાળી વચ્ચે વસાહતી-શૈલીથી બનેલો આ બંગલો ખાનગી જીમ અને પૂલ ઉપરાંત જરૂરીયાતથી વધારે નહીં એટલાં ભવ્ય ફર્નિચરથી સુશોભિત છે. કૌટુંબિક વારસાગતવસ્તુઓ, કલા સંગ્રહ, દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોથી સમૃદ્ધ પુસ્તકાલય તથા અંગત યાદગાર ચીજ-વસ્તુઓથી તેઓ હંમેશા આનંદિત રહેતાં.
આヘર્યની વાત તો એ છે કે, આ જાજરમાન બંગલામાં ટાટાના અંગત સંબંધીઓ કહેવાય એવું કોઈ નો’તું રહેતું.
રતન ટાટા 2015 સુધી તેમની માતા, નવજબાઈ ટાટા સાથે રહેતા હતા પરંતુ તે ગુજરી ગયા પછી કયારેક તેમની બહેન, ભત્રીજી અને ભત્રીજા મહેમાનગતિએ આવે. તે સિવાય તેમનો વફાદાર અને સમર્પિત કર્મચારીઓની ટીમનો સ્ટાફ હતો જે તેમના રોજિંદા જીવનના વિવિધ પાસાઓની સંભાળ રાખતો.
તેમના અંગત જો કોઈ હતાં તો તે ચાર કૂતરાં હતાં. ગોવા, ટીટો, ટેંગો અને લુના. ટાટાને મન તેઓ પરિવારના સભ્યો જ હતાં. તેઓની સાથે તેમનો અકલ્પનીય લગાવ હતો.
રતન ટાટાએ 2011માં પ્રિન્સ ચાર્લ્સનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તેમના કૂતરાની બીમારીને કારણે નકારી કાઢયો હતો. રતન ટાટાનો કૂતરો – ટીટો, તે સમયે નાદુરસ્ત હતો. ટાટાએ એવોર્ડ મેળવવા કરતાં તેમના પાલતુના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી હતી.
તેમણે પ્રિન્સ ચાર્લ્સને એક સંદેશો પાઠવેલો, ‘આ પુરસ્કાર માટે વિચારણા કરવા બદલ હું ખૂબ જ સન્માનિત છું, પરંતુ મને ડર છે કે હું તેને સ્વીકારી શકીશ નહીં.મારો કૂતરા ટીટોની તબિયત સારી નથી અને મારે તેની સાથે રહેવાની જરૂર છે.’
પ્રિન્સ ચાર્લ્સ પણ ટાટાની નમ્રતા અને કરુણાથી નતમસ્તક બની ગયા. તેમની આ ઘટના તેમનું ‘ડાઉન ટુ અર્થ’નું વલણ દર્શાવે છે. ટાટા વિશ્વ વિખ્યાત બિઝનેસ લીડર હોવા છતાં પણ પોતાના અંગત જીવનને પ્રાથમિકતા આપતાં.
પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અતુલ્ય હતો. આ પ્રેમના કારણે જ જીવદયાના કાર્ય માટે ઝંખતો એક નવયુવાન શાંતનુ નાયડુ તેમનો પરમ મિત્ર બન્યો હતો. તેમણે જીવદયા માટે શાંતનુને સહકાર આપી એક પાલતું પ્રાણીઓ માટે હોસ્પિટલ પણ ખોલી આપેલી.
જેવો તેમનો પ્રાણીઓ પ્રત્યે પ્રેમ તેવો જ તેમનો દેશપ્રેમ.
ટાટા ગ્રૂપની માલિકીની તાજ હોટલ પર 26/11ના આતંકી હુમલા પછી થોડા મહિના પછી તાજ જૂથે ભારત અને વિદેશમાં તેમની તમામ હોટેલ્સને રિમોડલિંગ માટે અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્ડર બહાર પાડેલું. તે ટેન્ડર માટે અરજી કરનાર કેટલીક કંપનીઓ પાકિસ્તાની પણ હતી. તેમની બિડને વધુ મજબૂત બનાવવા માટે, મુંબઈમાં બોમ્બે હાઉસ (ટાટાની મુખ્ય કચેરી)માં એપોઈન્ટમેન્ટ લીધા વગર રતન ટાટાને મળવા પહોંચેલાં પાકિસ્તાનના બે મોટા ઉદ્યોગપતિઓને મળવાનો તેમણે ઈનકાર કરી દીધેલો!
હતાશ થયેલાં પેલાંપાકિસ્તાનીઓએ પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા ભારતના એક મંત્રી દ્વારા તેઓનું ટેન્ડર પાસ થાય તે ભલામણ માટે રતન ટાટા પર ફોન કરાવ્યો. તેમની વિગત સાંભળી રતન ટાટાએ ટૂંકમાં જ જવાબ આપ્યો, ‘તમે બેશરમ હોઈ શકો છો, હું નથી.’ અને તેમણે ફોન નીચે મૂકી દીધો. આપણાં કહેવાતાં નેતાઓ આ પ્રસંગ પરથી કોઈ બોધ લેશે ખરાં?
થોડાં મહિના પછી જ્યારે પાકિસ્તાન સરકારે ટાટા સુમોને પાકિસ્તાનમાં આયાત કરવાનો ઓર્ડર આપેલો, ત્યારે પણ રતન ટાટાએ પાકિસ્તાનમાં એક પણ વાહન મોકલવા માટે ના પાડી દીધેલી. રતન ટાટાનો માતૃભૂમિ પ્રત્યેનો આ આદર અને પ્રેમ હતો.
અને છેલ્લે તેમની પરોપકરની વાત……
આમ જનતા પણ કારમાં ફરી શકે તે માટે જ તેમણે ‘નેનો’ કાર બનાવેલી. એક વાર કેટલાંક અપંગોને તેમણે ટ્રાઈસિકલ આપી. તેમનાં આ ઉપકારના ઉપહાર તરીકે એક વ્યક્તિએ ટાટાને કહેલું કે, ‘મને આપનો ચહેરો વ્યવસ્થિત રીતે જોવા દો. જેથી હું જ્યારે સ્વર્ગમાં જાઉં, ત્યારે ત્યાં પણ તમને શોધી શકું!
ભલે, ભારતના એ રતને આપણને ‘ટાટા’ કહી ચીર વિદાય લીધી, પણ ટાટા! આપને ‘ટાટા’ કહેવાની અમારી હિંમત નથી ચાલતી! એટલે જ તો આપનો માનીતો કૂતરો ‘ગોવા’ અંતિમ ક્ષણ સુધી આપનાપાર્થિવ દેહ સુધી સાથે રહ્યો! જાણે કે હમણાં મારો માલિક મને વહાલ કરશે!
અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખનાર, એ માનવી જુદી માટીથી ઘડાયેલો હતો. એ આત્માને શત્ શત્ પ્રણામ.