મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં કરાઈ ભવ્ય ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપ અને એનડીએનો ભવ્ય વિજય થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આાવ્યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ શનિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં ઢોલ-નગારા અને ફટાકડાઓની આતશબાજી સાથે ભાજપ કાર્યાલયથી નાની દમણ બસ સ્ટેન્ડ સુધી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ ન.પા. અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી બી.એમ.માછી, પ્રદેશ ઓ.બી.સી. મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
દીવ ખાતે દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મોહનભાઈ લકમણનાનેતૃત્વમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દાદરા નગર હવેલીમાં પણ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં ભાજપને મળેલ પ્રચંડ વિજય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ ઉપર મતદારોએ મારેલી મહોર છે અને ‘એક હે તો સેફ હૈ’નો જયઘોષ છે. તેમણે આ ચૂંટણીના પરિણામથી દમણ-દીવના ભાજપના કાર્યકરોમાં પણ નવા જુસ્સા અને જોમનો સંચાર થયો હોવાની લાગણી પ્રગટ કરી હતી.